લીંબડીમાં અઠવાડિયામાં કમળાના 15, મેલેરિયાના 10 સહિત ડેન્ગ્યૂના કેસો

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
લીંબડીમાં અઠવાડિયામાં કમળાના 15, મેલેરિયાના 10 સહિત ડેન્ગ્યૂના કેસો 1 - image


- પાણીની લાઈનનું લિકેજ હોવાથી કમળો વકર્યો

- શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ અને ડહોળું પાણી આવતા રોગચાળો વકર્યો

લીંબડી : લીંબડી શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લાં ૧૫ દિવસમાં ડેન્ગ્યૂ તથા કમળો, મેલેરિયા સહિતના કેસોમાં સતત વધારો થતાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ હતી. હાલ વાઈરલ ઇન્ફેક્શનને લઈને તેમજ વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય ઉપદ્રવથી તેમજ શહેરમાં હાલ પાણી ડહોળું આવતું હોવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને છેલ્લા અઠવાડિયામાં અંદાજે કમળાના ૧૫થી વધુ તથા મેલેરિયાના ૧૦થી વધુ તેમજ ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો જોવા મળ્યો હતો. 

આ બાબતે લીંબડી સરકારી હોસ્પિટલના આરએમઓ ગીતાબેન શાહે કહ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિને તાવ આવવો, પેશાબ પીળો આવવો આંખ પીળી થવી,ભુખ ના લાગે,વોમિટ થવી, તાવ આવીને ઠંડી લાગે, આખ પાછળ કે માથાનો દુખાવા સહિતના લક્ષણો જોવા મળે તો તુરંત આસપાસની હોસ્પિટલમાં જઈને તપાસ કરાવીને સાચુ નીદાન કરાવવું જોઈએ. પીવાનું પાણી ઉકાળી, ફીલટર કરી ફટકડી ફેરવીને પાણીનો ડહોળ બેસી જાય પછી પીવું.

શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો વકર્યો હોવાથી આરએમઓ દ્વારા લીંબડી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસરને પણ જાણ કરી દેવામાં આવી છે. આ બાબતે લીંબડી નગરપાલિકા ચીફ ઓફિસર સાગરભાઈ રાદડિયાએ જણાવ્યું છે કે, હાલ જે વિસ્તારમાં કમળાના કેસો નોંધાયા છે તે વિસ્તારમાં પાણીની લાઈનનું લીકેજીશન છે. તેનું  રીપેરીંગ કામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીમાં કલોરીફિકેશન કરીને વિતરણ કરાઈ રહ્યું છે.


Google NewsGoogle News