સુરેન્દ્રનગરમાં અડચણરૂપ છુટક ધંધાર્થી અને લારીધારકોેને દૂર કરવા માંગ
- ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે
- વૈકલ્પિક સ્થળે ખસેડવા વેપારી મહામંડળની કલેક્ટર અને ડીએસપીને રજૂઆત
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ચુકી છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ છુટક ધંધાર્થીઓ તેમજ લારીધારકોને કારણે ટ્રાફિકજામ થતો હોવાની રજૂઆત કરી તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા વેપારી મહામંડળ દ્વારા જિલ્લા કલેકટર તેમજ ડીએસપીને લેખીત રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ ચોકથી ટાંકીચોક તેમજ ટાવર સુધી અને ટાંકીચોકથી પતરાવાળી ચોક સહિતના બજાર વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર બન્ને સાઈડ દુકાનની આગળ છુટક ધંધાર્થીઓ તેમજ લારીધારકો ઉભા રહે છે.
જેના કારણે અવાર-નવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. તેમજ વેપારીઓને દુકાન પાસે વાહન પાર્ક કરવામાં પણ હાલાકી પડી રહી છે. ત્યારે બીજી બાજુ નડતરરૂપ લારીધારકોના કારણે દુકાનમાં ગ્રાહકોને ખરીદી માટે જવાની જગ્યા પર રહેતી નથી. જેથી અવાર-નવાર દુકાનદારોને લારીધારકો સાથે ઘર્ષણ તેમજ મારામારીના બનાવો પણ બને છે.
આ તમામ સમસ્યાઓ અંગે તાજેતરમાં રેન્જ આઈજી ના લોકદરબારમાં પણ રજુઆતો કરવામાં આવી હતી. તેમજ જ્યારે પણ ટ્રાફિક પોલીસ કે પોલીસની પેટ્રોલિંગ કાર પસાર થાય છે ત્યારે થોડી મીનીટો માટે લારીધારકો રસ્તા પરથી દુર જતા રહે છે પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ જેમની તેમ જ જોવા મળે છે.
આ અંગે અગાઉ પણ રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા જિલ્લા વેપારી મહામંડળ દ્વારા લારીધારકોને અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી બજારમાંથી કાયમી ધોરણે દુર કરવાની માંગ કરી હતી. આ તકે અનાજ-કરીયાણા, સાડી, રેડીમેઈડ કાપડ, ફુટવેર, સોના-ચાંદી એસોશીએસનના હોદ્દેદારો સહિત વેપારીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.