કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કર્મીઓને લઘુતમ વેતન ચુકવવા માંગ
- સુરેન્દ્રનગર પાલિકાના સફાઈકર્મીઓની લેખિત ફરિયાદ
- પગારમાંથી દૈનિક રૂ. 115.76 રકમ ઓછી ચુકવાતી હોવાનો આક્ષેપ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી વાલ્મીકી સમાજના અંદાજે ૩૦૦થી વધુ સફાઈ કામદારો, ડ્રાઈવરો ફરજ બજાવી શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરી રહ્યાં છે જેમાં કોન્ટ્રાક્ટ બેઈઝ કામદારો દ્વારા અનેક વખત લઘુતમ વેતન સહિતના પડતર પ્રશ્નોનો કોઈ જ ઉકેલ ન આવતાં સરકારી શ્રમ અધિકારીને આ અંગે લેખીત ફરિયાદ કરવામાં આવી હતી.
શ્રમ અધિકારી કે.એન.ચુડાસમાને કરાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગર પાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને લઘુતમ વેતન મુજબ દૈનિક રૂા.૪૫૨ માંથી ૧૨ ટકા ઈપીએફ કાપી રૂા.૩૯૭.૭૬ વેતન ચુકવવાનું હોય છે. તેને બદલે માત્ર રૂા.૨૮૨ વેતન ચુકવવામાં આવે છે. આમ એક સફાઈ કામદારના પગારમાંથી દૈનિક રૂા.૧૧૫.૭૬ જેટલી રકમ ઓછી ચુકવાય છે. જ્યારે પાલીકામાં અંદાજે ૩૦૦થી વધુ સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ બેઈઝ પર ફરજ બજાવે છે. તે મુજબ એક દિવસના અંદાજે રૂા.૩૪,૭૨૮ જેટલી રકમ તંત્ર દ્વારા ઓછી ચુકવી સફાઈ કામદારો સાથે અન્યાય કરી લઘુત્તમ વેતન કાયદાનું ઉલંધ્ધન કરે છે.
આથી ચાલુ ઓક્ટોબર મહિનાથી નવા લઘુતમ વેતન મુજબ વેતન ચુકવવા, પગાર સ્લીપ આપવી, હાજરી કાર્ડ આપવું, કોન્ટ્રાક્ટરને બદલે પાલિકાએ ૧ થી ૧૦ તારીખ સુધીમાં પગાર ચુકવવો સહિતના પ્રશ્નોનો ઉકેલ ન આવતા સરકારી શ્રમ અધિકારીને આ અંગે લેખીત ફરિયાદ કરવામાં આવી હતી. પાલિકા તંત્ર તેમજ કોન્ટ્રાકટરને જરૂરી સુચનાઓ આપી યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી હતી. આ તકે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના પ્રમુખ મયુરભાઈ પાટડીયા, હિતેશભાઈ બારૈયા, અરૂણભાઈ વાઘેલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.