વકીલોને મળતી જુનિયર સ્ટાઈપેન્ડ યોજનાની રકમ વધારવા માંગ
- સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું
- નિયમિત આર્થિક સહાય ચૂકવવા જુનિયર વકિલોની રજૂઆત
સુરેન્દ્રનગર : જુનિયર વકીલોને સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ તેમજ આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જે રકમ નજીવી અને અનિયમિત ચૂકવવામાં આવતી હોય આ મામલે જુનિયર વકીલો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાતમાં જુનિયર વકીલોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતા સ્ટાઇપેન્ડ તેમજ આર્થિક સહાય નિયમિત ચૂકવવામાં આવે તે અંગે જુનિયર વકીલો દ્વારા રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરી હતી. જે અંગે વકીલો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.
જેમાં જણાવ્યું હતુ કે જુનિયર વકીલો યોગ્ય રીતે પ્રેકટીસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ડો.પી.જે.સોલંકી જુનિયર સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત વકીલોને પહેલા વર્ષે રૂપિયા ૧ હજાર, બીજા વર્ષે ૮૦૦ અને ત્રીજા વર્ષે રૂપિયા ૬૦૦ પ્રતિમાસ ચૂકવવામાં આવે છે.
તેમજ ઓફીસ ખર્ચ પેટે નહીંતર આર્થિક સહાય આપવામાં આવે છે અને તે પણ અનિયમિત ચૂકવવામાં આવે છે. આથી સ્ટાઇપેન્ડની રકમ તેમજ ઓફીસ ખર્ચ પેટે મળતી સહાયમાં વધારો કરી નિયમિત ચુકવવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ કરી હતી.