લીંબડી પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ સફાઈ કર્મીઓને ઈપીએફનો લાભ આપવા માંગ
- 70 કર્મચારીઓના પ્રશ્નો અંગે રજૂઆત
- સુરેન્દ્રનગર મદદનીશ શ્રમ આયુક્ત કચેરીએ લેખિત રજૂઆત કરાઈ
સુરેન્દ્રનગર : લીંબડી નગરપાલિકામાં છેલ્લાં ઘણા વર્ષોથી ફરજ બજાવતા વાલ્મીકી સમાજના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને ઈપીએફનો લાભ પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવતો નથી. જે અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના નેજા હેઠળ સુરેન્દ્રનગર મદદનીશ શ્રમ આયુક્તની કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ, લીંબડી નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી વાલ્મીકી સમાજના ૭૦ જેટલા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારો ફરજ બજાવે છે અને શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરી રહ્યાં છે. છતાં સફાઈ કામદારો પ્રોવીડન્ડ ફંડના નિયમ મુજબ ઈપીએફનો લાભ આપવામાં આવતો નથી.
અગાઉ પણ લધુતમ વેતન સહિતની માંગો અંગે રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા લીંબડી નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને સાથે રાખી બહુમાળી ભવન ખાતે આવેલી મદદનીશ શ્રમ આયુક્તની કચેરી ખાતે લેખિત રજુઆત કરી હતી.
ત્યારે મદદનીશ લેબર કમીશ્નર એસ.એ.ભપ્પલેએ ઈપીએફની રજૂઆત લેવાની ના પાડતા કામદારોમાં રોષ જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ ઈપીએફોને રજૂઆત મોકલી આપવાનું જણાવતા મામલો થાળે પડયો હતો.