સુરેન્દ્રનગરમાં ટ્રાફિક સર્જતા લારીધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ
- વેપારી એસોસીએશનની બેઠક મળી
- અગાઉ રજૂઆતો કરતા પાલિકા અને પોલીસ તંત્રએ એકબીજાને ખો આપ્યાનો આક્ષેપ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરનાં મુખ્ય રસ્તાઓ પર દબાણોનો રાફડો ફાટી નિકળ્યો છે, તેમજ મુખ્ય રસ્તાઓ પર છુટક વસ્તુઓનો વેપાર કરી પેટીયું રળતા લારીધારકો ઉભા રહેતા ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે ત્યારે આ મામલે શહેરના વેપારીઓએ બેઠક યોજી હતી અને શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ વડાને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો.
સુરેન્દ્રનગરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા શહેરીજનો માટે માથાના દુઃખાવા સમાન બની ગઇ છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર આડેધડ ખડકી દેવાયેલા દબાણો તેમજ વાહન પાર્કિંગ અને લારીધારકોના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની છે.
ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે અંગે શહેરના વેપારીઓએ બેઠક યોજી હતી.ખાસ કરીને શહેરનાં મુખ્ય રસ્તાઓ પર દુકાનો આગળ લારીધારકો અડીંગો જમાવી દેતા દુકાનોમાં ગ્રાહકો ન આવતા વેપાર ધંધાને પણ અસર પહોંચી હોવાનો મત વેપારીઓએ વ્યક્ત કર્યો હતો.
છુટક ચીજવસ્તુઓનું વેચાણ કરતા લારીધારકોની રોજીરોટી ન છીનવાય અને ટ્રાફિકની સમસ્યા પણ હલ બને તે માટે લારીધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી પણ વેપારીઓની માંગ છે. અગાઉ આવા દબાણ મામલે પાલિકા તંત્ર અને ટ્રાફિક પોલીસને રજૂઆત કરતા બન્ને દ્વારા એકબીજાને ખો આપી પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દીધા હોવાનો પણ વેપારીઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો.
ત્યારે આ મામલે આગામી સમયમાં વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી નક્કર કાર્યવાહી કરવામાં આવે અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે. પાલિકા તંત્રનું દબાણ ખાતુ પણ માત્ર કાગળ પર કાર્યવાહી કરતુ હોય તેમ દબાણ હટાવ્યા બાદ થોડા દિવસો પછી જેમના તેમ જોવા મળી રહ્યાં હોવાનો રોષ વેપારીઓએ ઠાલવ્યો છે.