ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈની બદલી કરવા ૨૮ ગામોની માંગ

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈની બદલી કરવા ૨૮ ગામોની માંગ 1 - image


- એસપી કચેરીએ ગ્રામજનોની ઉગ્ર રજૂઆત

સાયલા : સાયલા તાલુકાના ધજાળા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ૨૮ ગામોના લોકોએ ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈની બદલી કરવા અંગે એસપી કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. 

બિનજરૂરી મેમો આપી તથા ખોટી રીતે વાહનો ડીટેન કરી લોકોને હેરાન કરતા હોવાનો આક્ષેપ  

સાયલા તાલુકાના ધજાળા પોલીસ સ્ટેશન હેઠળ આવતા નડાળા, ગુંદિયાવડા, મોરસલ, ભડલા, નોલી, ગંગાજળ, મંગળકુઈ, શીરવાણિયા સહિતના ૨૮ ગામોનો સમાવેશ થાય છે. આ ૨૮ ગામના ગ્રામજનોએ સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે એકત્ર થઈને રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યા મુજબ, ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ મુકેશદાન ઈસરાણી દ્વારા મોટરસાયકલ લઈને આવતા-જતાં લોકોને ખોટી રીતે હેરાન કરી બિનજરૂરી મેમા આપવામાં આવે છે. સામાન્ય મજૂર વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે. કોઈપણ ખેડૂત વાડીએ અવરજવર કરતા હોય ત્યારે ખોટી રીતે મોટરસાયકલ ડીટેન કરવામાં આવે છે. 

વધુમાં રજૂઆતમાં સુરેન્દ્રનગર એલસીબી તથા એસઓજી વિભાગના પોલીસ કર્મચારીઓ રેડ પાડી દારૂ, ગાંજો તથા હથિયારો પકડીને કાયદેસરની કાર્યવાહી કરે છે ત્યારે ધજાળા પીએસઆઇને આ બધી બાબત કેમ ધ્યાને આવતી નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પીએસઆઇ દ્વારા પોતાના અધિકાર અને હોદ્દાનો ગેરઉપયોગ કરી ગ્રામજનોને પરેશાન કરવામાં આવતા હોવાની સરપંચો તથા સામાજિક આગેવાનો સહિતનાએ ઉગ્ર રજૂઆતો કરી હતી. તેમજ પીએસઆઇની તાત્કાલિક ધોરણે બદલી કરવાની માંગ કરવામાં આવી હતી.


Google NewsGoogle News