લખતર રેલવે સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવા માંગ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
લખતર રેલવે સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવા માંગ 1 - image


- હાલમાં 2 ટ્રેનોને જ સ્ટોપેજ મળતા નારાજગી

- કોરોનાકાળ દરમિયાન બંધ કરાયેલી ટ્રેનો પુનઃશરૂ કરવા માગણી  

સુરેન્દ્રનગર : લખતર રેલવે સ્ટેશન પર અનેક ટ્રેનોને સ્ટોપેજ ના મળતા મુસાફરો સહિત લોકોમાં રેલવે વિભાગ સામે નારાજગી જોવા મળી હતી. તેમજ ટ્રેનોને સ્ટોપેજ આપવા તથા કોરોનાકાળ દરમિયાન બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા માંગ ઉઠી છે. 

સુરેન્દ્રનગર રેલવે જંકશન પરથી અનેક પેસેન્જર, સુપર ફાસ્ટ તેમજ એક્સપ્રેસ ટ્રેનો પસાર થાય છે. આ ઉપરાંત બહારના રાજ્યો માટે વિકલી ટ્રેનોનું રેલવે જંકશન પર સ્ટોપેજ આપવામાં આવ્યાં છે. જેના કારણે મુસાફરોને વધુ અવર-જવર સુરેન્દ્રનગર જંકશન પરથી રહે છે. જેમાં સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ જતી અંદાજે ૧૫થી વધુ ટ્રેનો પણ જંકશન ખાતે ઉભી રહે છે.

 પરંતુ આ ટ્રેનો પૈકી માત્ર બે જ ટ્રેન સૌરાષ્ટ્ર જનતા અને સૌરાષ્ટ્ર મેલ લખતર સ્ટેશન ખાતે ઉભી રહેતા તેનો લાભ લખતરવાસીઓને મળે છે. જ્યારે વર્ષોથી સુરત-જામનગર-સુરત ઇન્ટરસીટી, અને અમદાવાદ-સોમનાથ-અમદાવાદ ઇન્ટરસીટી તેમજ વિરમગામ-વલસાડ ટ્રેઈનનું સુરેન્દ્રનગર જંકશન ખાતે સ્ટોપેજ છે પરંતુ લખતર સ્ટેશન પર સ્ટોપેજ ન હોવાથી આ અંગે અનેક વખત લખતરના નાગરિકો દ્વારા સ્ટોપ આપવા સહિતની માંગ સાથે રેલવે વિભાગના જીએમને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે. 

આ ઉપરાંત કોરોના કાળ દરમિયાન બંધ કરવામાં આવેલી ઓખા-મહેસાણા-ઓખા અને ઓખા-અમદાવાદ-વડોદરા લોકલ ટ્રેનને ફરી શરૂ કરવા પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેના કારણે લખતર સહિત આસપાસના ગામોના મુસાફરોને હાલાકી પડી રહી છે. તેમજ અપ-ડાઉન કરતાં વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.

 રેલવે વિભાગ દ્વારા લખતર રેલવે સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવા તથા કોરોનાકાળ દરમિયાન બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા માંગ ઉઠી છે. 


Google NewsGoogle News