સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર રહેતા શખ્સને મારી નાંખવાની ધમકી
- ત્રણ શખ્સોએ સમાધાન માટે બોલાવી માર માર્યાની ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર રાંદલ પાર્ક સોસાયટીમાં રહેતા શખ્સને અગાઉ ફોન ઉપર થયેલ બોલાચાલી મામલે સમાધાન કરવા માટે ટી.બી.હોસ્પીટલ ખાતે બોલાવી ત્રણ શખ્સોએ ખુરશી વડે તેમજ ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનારે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
દાળમીલ રોડ પર આવેલ રાંદલ પાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી સાવનભાઈ રમેશભાઈ નગવાડીયા ઉ.વ.૨૧ વાળાએ બે દિવસ પહેલા તેમના સિક્યોરીટીમાં નોકરી કરતા મિત્રનો પગાર બાકી હોય તે બાબતે એજન્સીના માલીક(શેઠ)ને ફોન પર બોલાચાલી કરી હતી .
જે બાબતનું મનદુઃખ રાખી ધીરૃભાઈની વાડી પાસે રહેતા અર્જુનસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ ફોન કરી ફરિયાદીને સમાધાન માટે ટી.બી.હોસ્પીટલે બોલાવ્યા હતા. જ્યાં હોસ્પીટલના મેઈન ગેઈટ પાસે આવેલ સીક્યોરીટીની ઓફીસ પાસે ત્રણેય શખ્સોએ એકસંપ થઈ ખુરશી તેમજ લાકડાના ધોકા અને ઢીકા-પાટુનો માર મારી ફરિયાદીને ફેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જે મામલે ભોગ બનનારે એ-ડિવીઝન પોલીસ મથકે (૧) હરપાલસિંહ જામભા ઝાલા રહે.રાજરાજેશ્વરી સોસાયટી, સુરેન્દ્રનગર (૨) હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ રહે.દાળમીલ રોડ, સુરેન્દ્રનગર અને (૩) અજીતસિંહ રહે.બાકરથળીવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.