વઢવાણમાં વ્યક્તિ પર છ શખ્સોનો ઘાતક હુમલો

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
વઢવાણમાં વ્યક્તિ પર  છ શખ્સોનો ઘાતક હુમલો 1 - image


- સમાધાનનું કહીને ઘર પાસે બોલાવી 

- ઘર પાસે સ્પીડમાં કાર ચલાવવા બાબતે ઠપકો આપ્યાની રીસ રાખીને માર માર્યો

સુરેન્દ્રનગર : ઘર પાસેથી ફુલ સ્પીડમાં કાર પસાર કરવા જેવી બાબતે વઢવાણ ૬૦ ફુટ રોડ પર મારામારીનો બનાવ બન્યો હતો. જે અંગે બી-ડિવીઝન પોલીસ મથકે ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જોરાવરનગર ડીએનટી હાઈસ્કૂલ પાસે રહેતા જયદિપસિંહ વાઘેલાએ થોડા દિવસો પહેલા ભવાન ઉર્ફે કાનો કોળી અને રવિ ઉર્ફે ભૈરવો રાવળદેવ બન્ને વઢવાણ ૮૦ ફુટ રોડ પર રહેતા લક્કીરાજસિંહ ઝાલાના ઘર પાસેથી કાર લઈ ખુલ્લા કાચ રાખી ફુલ ટેપ વગાડતા ફુલ સ્પીડમાં નીકળતા આ બાબતે ટેલીફોનીક જાણ કરી ફુલ સ્પીડમાં ઘર પાસેથી નહિં નીકળવાનું જણાવ્યું હતું. 

જેનું મનદુઃખ રાખી ભવાન ઉર્ફે કાના કોળીએ પોતાના ૬૦ ફુટ રોડ પર આવેલા ઘર પાસે સમાધાન અર્થે બોલાવી અન્ય પાંચ જેટલા શખ્સોને સાથે રાખી તલવાર, લોખંડનો પાઈપ, લાકડાનો ધોકો તેમજ પથ્થર વડે આડેઘડ ઘા ઝીંકી ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ પથ્થર અને લોખંડના પાઈપ વડે બાઈકને પણ તોડફોડ કરી નુકશાન પહોંચાડયું હતું. 

જે અંગે જયદિપસિંહે  બી-ડિવીઝન પોલીસ મથકે ભવાન ઉર્ફે કાનો કોળી, રવિ ઉર્ફે ભૈરવો રાવળદેવ, ઋષી સોમાભાઈ કોળી, બટુક છનાભાઈ કોળી, ચંદન ઉર્ફે દાદુ બટુકભાઈ અને અર્જુન બટુકભાઈ કોળી (તમામ રહે.સુરેન્દ્રનગર) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.  


Google NewsGoogle News