દસાડા તાલુકામાં રવિવારે બે ઇંચ વરસાદ પડયો, ધ્રાંગધ્રામાં એક ઇંચ

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
દસાડા તાલુકામાં રવિવારે બે ઇંચ વરસાદ પડયો, ધ્રાંગધ્રામાં એક ઇંચ 1 - image


- સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત

- અન્ય તાલુકાઓમાં પણ ઝરમરથી લઈ વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં આનંદ

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા બે દિવસથી જીલ્લાભરમાં ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે સતત બીજે દિવસે સવારથી સુરેન્દ્રનગર જીલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરથી લઈ અતિભારે વરસાદ નોંધાયો હતો જેમાં ધ્રાંગધ્રા અને દસાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર યથાવત જોવા મળી હતી.

 સમગ્ર રાજ્યમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચુક્યો છે પરંતુ સુરેન્દ્રનગર જીલ્લામાં ગત વર્ષની સરખામણીએ મોડો અને ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાતા ખેેડુતો સહિત લોકોમાં ચીંતા જોવા મળી હતી અને આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યાં હતાં. 

ત્યારે કુદરત પણ જાણે મહેરબાન હોય તેમ છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગર જીલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમાં ગત તા.૨૯ જુનને શનિવારના રોજ ચોટીલા તાલુકામાં ૩૩ મીમી, વઢવાણ તાલુકામાં ૨૩ મીમી, સાયલા તાલુકામાં ૨૦ મીમી, ચુડા તાલુકામાં ૧૬ મીમી, થાન તાલુકામાં ૧૧ મીમી અને મુળી તાલુકામાં ૧૩ તેમજ લીંબડી તાલુકામાં ૭ મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી લોકો સહિત ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.

 જ્યારે બીજે દિવસે પણ તા.૩૦ જુનના રોજ સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં બપોર બાદ ઝરમરથી લઈ વરસાદી ઝાપટા નોંધાયા હતા જ્યારે જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં માત્ર બે કલાકમાં ૨૦ મીમી તેમજ દસાડા તાલુકામાં પણ બે કલાકમાં અતિભારે ૪૦ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.

જીલ્લાના ૧૦ તાલુકાઓ પૈકી ૦૫ જેટલા તાલુકાઓમાં બીજે દિવસે સવારથી સાંજ સુધીમાં વરસાદ નોંધાયો હતો જ્યારે અમુક તાલુકાઓમાં વરસાદ ન નોંધાતા ખેડુતો સહિત લોકોમાં ચિંતા જોવા મળી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જુનાગઢ, સોમનાથ સહિત સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આગામી બે-ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાને લઈ જીલ્લાનું વહિવટીતંત્ર પણ સર્તક બન્યું છે. જ્યારે જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતાં ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.

સુરેન્દ્રનગર જીલ્લામાં તા.૩૦ જુનના રોજ નોંધાયેલ વરસાદ (સવારના ૬-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી)

તાલુકો નોંધાયેલ વરસાદ

ધ્રાંગધ્રા ૨૨

દસાડા ૪૭

લખતર ૦૪

વઢવાણ ૦૦

મુળી         ૦૦

ચોટીલા ૦૦

સાયલા ૦૬

ચુડા         ૧૬

લીંબડી ૦૨

થાન         ૦૦



Google NewsGoogle News