સુરેન્દ્રનગર,વઢવાણ શહેરી વિસ્તારમાં જર્જરિત ઈમારતોથી અકસ્માતનો ભય
- તાત્કાલિક જોખમી મકાનો તોડી પાડવા માગ
- સરકારી કવાર્ટરો અને જાહેર માર્ગો પર આવેલ ઈમારતો જોખમી બની
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં અનેક જર્જરિત ઈમારતો હાલ પડવાના વાંકે ઊભી છે અને ગમે ત્યારે પડે તો મોટી જાનહાનિ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા આવી ઈમારતો ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં અનેક ઈમારતો અને વર્ષો જૂના મકાનો તેમજ શહેરમાં આવેલ સરકારી નર્મદા ક્વાર્ટર, ૬૦ ક્વાર્ટર, જીલ્લા કલેક્ટર કચેરી પાછળ આવેલ અલગ અલગ સરકારી કવાર્ટર હાલ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા માત્ર ભયજનક હોવાના લખાણ સાથે માત્ર ચેતવણી લખી સંતોષ માની લીધો હોય તેમ લાગી રહ્યુ છે .
ત્યારે આવા કન્ડમ કરેલ જર્જરિત સરકારી કવાર્ટર પણ ગમે ત્યારે પડે તો મોટી જાનહાનિ થઈ શકે છે. આ ઉપરાંત શહેરના જવાહર રોડ, માઈ મંદિર રોડ, બાલા હનુમાન રોડ, કૃષ્ણનગર, ટાંકી ચોક સહિતના અનેક વિસ્તારોમાં અંદાજે ૩૦ થી વધુ ઈમારતો તેમજ મકાનો જર્જરિત હાલતમાં છે .
અને આવી જર્જરિત ઈમારતો પાસે થી દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો સહિત રાહદારીઓ પસાર થાય છે. આથી આવી ભયજનક જર્જરિત ઈમારતો પણ ગમે ત્યારે પડી જવાથી મોટી જાનહાનિ થવાનો ભય સેવાઈ રહ્યો છે.
વાહનચાલકો તેમજ રાહદારી અને દુકાનદારો આવી અનેક ભયજનક ઈમારતોથી ડર અનુભવી રહ્યા છે. આથી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક આવી જર્જરિત ઈમારતો ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે ક્યારે કરવામાં આવે છે તે તો જોવું જ રહ્યું.