Get The App

વઢવાણ માર્કેટયાર્ડના તત્કાલીન ચેરમેન અને બે ડિરેક્ટરો વિરૃદ્ધ ગુનો

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
વઢવાણ માર્કેટયાર્ડના તત્કાલીન ચેરમેન અને બે ડિરેક્ટરો વિરૃદ્ધ ગુનો 1 - image


- તપાસના અંતે જિલ્લા રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી 

- એપીએમસીના ખોટા રેકર્ડ ઉભા કરી વર્ષ 2013 માં સગા-સંબંધીઓને શાકભાજીના ખાનાઓ ફાળવ્યા હતા : છેતરપિંડી અને હોદ્દાના દુરૃપયોગની ફરિયાદ 

સુરેન્દ્રનગર : ભાજપ શાસિત વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ ૨૦૧૩માં તત્કાલીન ચેરમેન અને બે ડિરેક્ટરોએ  એપીએમસીના રેકર્ડ સાથે ચેડા કરી, ખોટો રેકર્ડ ઉભો કરી, તેનો સાચા તરીકે ઉપયોગ કરીને પોતાના સગા-સંબંધીઓને શાકભાજીના ખાનાઓ ફાળવી દિધા હતા. આ અંગે તપાસ હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટ્રારે સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે તત્કાલીન ચેરમેન અને બે ડિરેક્ટરો વિરૃદ્ધ છેતરપિંડી અને હોદ્દાના દુરુપયોગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વઢવાણ એપીએમસીમાં વર્ષ ૨૦૧૩માં યોજાયેલી સામાન્ય સભામાં ઠરાવ કરી શાકભાજીના ખાનાઓ પૈકી ખાના નં.૨૩ અને ૪૮ની ફાળવણી તત્કાલીન હોદ્દેદારો દ્વારા કાંતિભાઈ કેશુભાઈ દલવાડી અને સંજયભાઈ રણછોડભાઈ ચાવડાને ફાળવવામાં આવ્યા હતા. આ મામલે એપીએમસીના તત્કાલીન ડિરેક્ટરોએ તપાસ કરતા ગેરરીતિ થઈ હોવાનું જણાયું હતું. જેથી આ અંગે તપાસ અધિકારીએ તપાસ હાથ ધરી હતી. 

જેમાં તત્કાલીન ચેરમેન રામજીભાઈ ગોહિલ સહિતનાઓ દ્વારા ઠરાવમાં પાછળથી વધારો કરાવી, તત્કાલીન ડિરેકટર હરજીવનભાઈ કેશુભાઈ પરમારના ભાઈ કાંતિભાઈ કેશુભાઈ દલવાડી અને તત્કાલીન ડિરેકટર રાયમલભાઈ ગોવિંદભાઈ ચાવડાના ભત્રીજા સંજય રણછોડભાઈ ચાવડાને ફાળવવામાં આવ્યા હતા. 

તત્કાલીન ચેરમેન રામજીભાઈએ એપીએમસીના રેકર્ડ સાથે ચેડા કરી સુધારા-વધારા કરી ખોટો રેકર્ડ ઉભો કર્યો હતો અને તેને સાચા તરીકે ઉપયોગ કરી અન્ય બે ડિરેકટરોની મદદથી પોતાના સગા-સબંધીઓને શાકભાજીના ખાના આપી છેતરપિંડી કરી હોદ્દાનો દુરઉપયોગ કર્યો છે. 

આ અંગે જિલ્લા રજિસ્ટાર કોમલબેન ચૌધરીએ સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે વઢવાણ એપીએમસીના તત્કાલીન ચેરમેન રામજીભાઈ ગોહિલ (રહે. ખોલડીયાદ, તા.વઢવાણ), તત્કાલીન ડિરેકટરો રાયમલભાઈ ગોવિંદભાઈ ચાવડા (રહે.દેદાદરા, તા.વઢવાણ) અને હરજીવનભાઈ કેશુભાઈ પરમાર (રહે. વઢવાણ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

નોંધનીય છે કે, વઢવાણ એપીએમસીમાં જિલ્લાભરના ખેડૂતો પોતાની નીપજ વેચવા માટે આવે છે. તેમજ આસપાસના ગામોમાંથી પણ ખેડૂતો શાકભાજીનું હોલસેલ વેચાણ કરવા ઉમટી પડે છે. ત્યારે શાકભાજીના ખાનાઓની ફાળવણીની પ્રક્રિયામાં છેતરપિંડી આચરતા રજિસ્ટારે ફરિયાદ નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે.



Google NewsGoogle News