સુરેન્દ્રનગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ સફાઈકર્મીઓએ રાજકોટ હાઈવે ચક્કાજામ કર્યો
- પડતર માંગણીઓનો ઉકેલ ના આવતા
- પાલિકા કચેરીથી આંબેડકર ચોક સુધી રેલી યોજી સુત્રોચ્ચાર કર્યા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ફરજ બજાવતાં કોન્ટ્રાક્ટબેઈઝ કામદારોની પડતર માંગો પુરી ન થતાં છેલ્લા એક અઠવાડીયાથી આંદોલન કરી રહ્યાં છે. ત્યારે પાલિકા કચેરીથી આંબેડકર ચોક સુધી સફાઈ કામદારો અને આગેવાનોએ રેલી યોજી ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ મોડીસાંજે રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરી રોષ દાખવ્યો હતો.
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી અંદાજે ૨૦૦થી વધુ કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારો ફરજ બજાવે છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ઘણા સમયથી નિયમીત પગાર ચુકવવામાં આવતો નથી. તેમજ જરૂરી સેફટીના સાધનો, પગાર સ્લીપ વગેરે પણ આપવામાં આવતી નથી.
જે અંગે સફાઈ કામદારોએ કોન્ટ્રાક્ટર સહિત પાલિકાના ચીફ ઓફીસર તેમજ પ્રમુખને અનેક વખત મૌખીક અને લેખીત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત લધુતમ વેતન, પુરતો પગાર, કાયમી કરવા સહિતની માંગો પણ પુરી કરવામાં આવતી નથી. ત્યારે કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોએ પાલિકા કચેરીથી ટાવર ચોક, મેઈન રોડથી આંબેડકર ચોક સુધી રેલી યોજી હતી.
જેમાં પાલિકાના સત્તાધીશો સામે સુત્રોચ્ચાર કર્યા હતા અને તંત્ર તેમજ સરકાર સામે રોષ દાખવ્યો હતો અને આગામી દિવસોમાં માંગો પુરી કરવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જ્યારે રોષે ભરાયેલ સફાઈ કામદારોએ મોડી સાંજે રાજકોટ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.
જેને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોચી ચક્કાજામ કરી રહેલા સફાઈ કામદારોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં અને અંદાજે ૪૦ મીનીટ બાદ મામલો થાળે પડતા વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.