સુરેન્દ્રનગર કલેકટર,શ્રમ આયુક્ત કચેરી ખાતે કોન્ટ્રાક્ટ બેઈઝ શ્રમીકોએ રજૂઆત કરી

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર કલેકટર,શ્રમ આયુક્ત કચેરી ખાતે કોન્ટ્રાક્ટ બેઈઝ શ્રમીકોએ રજૂઆત કરી 1 - image


- ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓમાં આક્રોશ

- યોગ્ય ઉકેલ નહિં આવે તો ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ખાતે ગુજરાત ગેસ કંપનીમાં છેલ્લા ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા શ્રમીકોએ મદદનીશ શ્રમ અને આયુક્ત કચેરી બહુમાળી ભવન તેમજ જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી શોષણ અટકાવવા તેમજ પગાર, બોનસ અને પીએફની રકમ ચુકવવાની માંગ કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ આસપાસના ગામોમાંથી અનેક શ્રમીકો ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટર હેઠળ છેલ્લા ૧૫ વર્ષથી કામ કરી રહ્યાં છે .

ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી શ્રમીકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને નિયમીત પગાર નહિં ચુકવી બે થી ત્રણ મહિને પગાર ચુકવવામાં આવે છે તેમજ પીએફની રકમ અને દિવાળી બોનસ પણ આપવામાં આવતું નથી. 

આ ઉપરાંત પીએસઆઈ સેફટી બુટ તેમજ યુનીફોર્મ અને સીલાઈ પણ આપવામાં ન આપી શોષણ કરવામાં આવી રહ્યું છે જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા નોકરીમાંથી છુટ્ટા કરી દેવાની ધમકી આપવામાં આવે છે. 

હાલ એક તરફ દિવાળી અને નવા વર્ષનો તહેવાર નજીકમાં છે તેમ છતાંય કોન્ટ્રાક્ટર દ્વારા પગાર કે બોનસની રકમ ચુકવવામાં ન આવતા શ્રમીકોની તહેવાર ટાંણે હાલત કફોડી બની છે અને પરિવારનું ગુજરાન ચલાવવમાં પણ હાલાકી પડી રહી છે.

 જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા દરેક શ્રમીકોના એટીએમ કાર્ડ અને પાસબુક પણ પોતાની પાસે રાખી ખાતામાં રૂપિયા જમા કરાવી પોતે ઉપાડી લેતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને કંપનીમાં વધુ પગાર દર્શાવી શ્રમીકોને ઓછો પગાર ચુકવવામાં આવતો હોવાની પણ રજુઆત કરી હતી. 

આ તકે મોટીસંખ્યામાં શ્રમીકો ઉપસ્થિત રહ્યાં હતાં અને આગામી દિવસોમાં આ અંગે તટસ્થ કાર્યવાહી કરી ન્યાય આપવામાં નહિં આવે તો જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.


Google NewsGoogle News