સુરેન્દ્રનગર જીલ્લામાં ડિસ્કો તેલનું ધુમ વેચાણ થતું હોવાની ફરિયાદો
- લોકોના આરોગ્યને નુકશાનકર્તા ડિસ્કો તેલનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહીની માંગ
- સ્થાનીક તંત્રની મીલીભગતથી ડિસ્કો તેલનું વેચાણ અને ઉત્પાદન થતું હોવાની ચર્ચાઓ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરોમાં ડિસ્કો તેલ (ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તા)નું ધુમ વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ અંગે જવાબદાર તંત્ર દ્વરા કડક કાર્યવાહી તેમજ ચેકીંગ કરી ડિસ્કો તેલનું વેચાણ કરતા અને બનાવતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ મહેતા માર્કેટ વિસ્તારમાં હોલસેલ તેમજ રીટેલમાં ડિસ્કો તેલનું વેચાણ કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે બ્રાન્ડેડ કંપનીના નામે મહિલાઓ અને ગ્રાહકોને ડિસ્કો તેલ વેપારી દ્વારા લાલચ આપી પધરાવી દેવામાં આવે છે તો બીજી બાજુ અમુક વેપારીઓ પ્રખ્યાત બ્રાન્ડેડ કંપનીના નામે સીંગતેલ, કપાસીયા તેલ અને પામોલીન તેલ બનાવી તેનું પેકીંગ કરી બ્રાન્ડેડ કંપનીનો માર્કો મારી ઉંચા ભાવે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ જ્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં દશેરા અને દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે બજારમાં મોટાપ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે આવી હલકી ગુણવત્તાનું તેલ આરોગવાથી લાંબા સમયે આરોગ્યને નુકશાન થતું હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. દર વર્ષે તહેવારોમાં સુરેન્દ્રનગરની બજારોમાં લાખોની કિંમતના ભેળસેળયુક્ત તેલનું વેચાણ થાય છે પરંતુ તંત્ર દ્વારા આ અંગે ચેકીંગ પણ હાથધરવામાં ન આવતાં વેપારીઓને છુટો દોર મળી રહ્યો છે જ્યારે લોકમુખે થતી ચર્ચા મુજબ તંત્રની મીલીભગતથી બજારમાં ડિસ્કો તેલની બોલબાલા વધી છે અને વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. જ્યારે વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં પણ અમુક ડુપ્લીકેટ તેલ બનાવતી ફેકટરીઓ તંત્રની રહેમ નજર હેઠળ ધમધમી રહી હોવાનું સામે આવ્યું છે આમ તંત્રના વાંકે અને ભ્રષ્ટાચારનીવૃતિના કારણે શહેરી વિસ્તારો અને જીલ્લામાં ડિસ્કો તેલનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જે લાંબા સમયે લોકોના આરોગ્યને નુકશાન પહોંચાડે છે ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએથી ચેકીંગ હાથધરવામાં આવે અને ડિસ્કો તેલનું વેચાણ કરતા વેપારીઓ અને સાથેસાથે સ્થાનિક તંત્રના અધિકારી સામે પણ લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.