સરકારી જમીનમાં દબાણ કરાતા બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ
- ટંકારાના નગર પાકા પાસે
- 30 વર્ષથી બંધ પડેલી સરકારી કચેરીની જગ્યામાં પાકી દુકાન, કેબીન, શેડ ખડકી દઇ દબાણ કરતા કાર્યવાહી
મોરબી : ટંકારા નગરનાકા પાસે આવેલ જૂની જકાતનાકાની કચેરી ૩૦ વર્ષથી બંધ હાલતમાં પડેલ હોય. જ્યાં બે ઇસમોએ પંચરની કેબીનનો ભંગારનો સામાન રાખી તેમજ મકાનના બહારના ભાગે પતરાની કેબીન અને શેડ બનાવી સરકારી જમીનમાં આર.સી.સીના પાકા ચણતરની દુકાન બનાવી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
ટંકારાના ગણેશપર ગામના રહેવાસી અને ટંકારા ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ પાલરીયાએ આરોપી રમજાન કરીમ માડકીયા અને હાસમ આદમ ભૂંગર (રહે. બંને ટંકારા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના તા. ૧૭-૧૧ના હુકમને આધારે ટંકારા ગામના નગરનાકા પાસે જૂની જકાતનાકાની કચેરી જે ૩૦ વર્ષથી બંધ હોય. જેમાં પંચરની કેબીનનો ભંગારનો માલસામાન રાખેલ અને મકાનના બહારના ભાગે ઉત્તર દિશામાં પતરાની કેબીન અને શેડ બનાવેલ છે.
જે કેબીનની માલિકી હાલ રમજાન કરીમ માડકીયા ધરાવતો હોય. જેઓ આ જમીન પર કબજો રાખવા બાબતે કોઈ મંજુરી ધરાવતા ના હોય અને જકાતનાકાના મકાન પાસે ઈંટ આરસીસીના પાકા ચણતરની દુકાન બનાવી છે. જેની માલિકી બાબતે આધાર પુરાવા હાસમ ભૂંગર પાસે નથી. આમ આરોપી રમજાન ક્રીમ માડકીયા અને હાસમ આદમ ભૂંગર (રહે. બંને ટંકારા)એ ટંકારા ગામ તળની સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી કબજો કરેલ છે. વર્ષ ૨૦૨૧ થી આજદિન સુધી કબજો કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.