ધ્રાંગધ્રામાં કમ્પાઉન્ડરે ડૉક્ટરના પત્નીની આબરૃ લેવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ
- સામસામે ફરિયાદના આધારે સાત સામે ગુનો
- ડૉક્ટર, તેની પત્ની અને પુત્રએ કમ્પાઉન્ડરને ધમકી આપ્યાની ફરિયાદ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડરે સાગરિતો સાથે મળી હોસ્પિટલના ડૉક્ટરની પત્નીની આબરૃ લેવાનો પ્રયત્ન કર્યો હોવાની ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે સામા પક્ષે ડૉક્ટર, તેની પત્ની અને દીકરાએ કમ્પાઉન્ડર અને તેના મિત્રને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સામસામે કુલ ૭ શખ્સો વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતો તાહીર મામના શખ્સની તબીયત સારી ન હોવાથી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં નોકરી ન કરવાનું જણાવી બાકીનો પગાર માંગ્યો હતો. જેથી હોસ્પિટલમાં મેડીકલ સ્ટોર ધરાવતા અને હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટરના પત્નીએ જણાવ્યું હતું કે, તારી સારવારનો રૃ.૩ હજાર ખર્ચ થયો છે, તારો બાકી પગાર પણ રૃ.૩ હજાર નિકળે છે, જેથી હોસ્પિટલને તને પગાર પેટે કંઈ આપવાનું રહેતું નથી તેમ જણાવ્યું હતું. જે બાબતનું મનદુઃખ રાખી તાહીર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો રાત્રે મહિલા કર્મીના ઘરે ધસી ગયા હતા અને એકલતાનો લાભ લઈ હુમલો કરી આબરૃ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો.
જ્યારે સામાપક્ષે તાહીરના મિત્ર મોહીનખાન પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ખાનગી હોસ્પિટલના ડૉક્ટર, તેમની પત્ની અને પુત્રએ અપશબ્દો બોલી, લાકડાનો ધોકો દેખાડી, તેને અને તાહીરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સામસામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.