દીગસરની સીમમાં ખેતરમાં ભેલાણ કરી 40 હજારનું નુકસાન કર્યાની ફરિયાદ
- 20 વિઘાના કપાસના ઉભા પાકમાં પશુઓ ચરાવી દીધા
- ટીકરના બે શખ્સો સામે ખેતરના માલિકે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના દીગસર ગામના ખેડુતના ખેતરમાં બે શખ્સોએ ૨૦ વીઘા જમીનમાં કપાસના ઉભા પાકમાં પશુઓ ચરાવી દઇ રૂપિયા ૪૦ હજારનું નુકસાન કર્યા અંગેની ફરીયાદ મુળી પોલીસ મથકે નોંધાતા મુળી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મુળી તાલુકાના દિગસર ગામે રહેતા વનરાજભાઇ પ્રભુભાઇ નાકીયાને દિગસર ગામની સીમમાં ટીકર ગામ તરફ જવામા રસ્તે ખેતર આવેલુ છે. આ ખેતરમાં વનરાજભાઇ નાકીયા દ્વારા કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતુ ત્યારે ટીકર ગામના કસરાભાઇ ઘુઘાભાઇ રબારી અને વાલાભાઇ મોતીભાઇ રબારી દ્વારા વનરાજભાઇ નાકીયાના ખેતરમાં ઉભા પાકમાં પશુઓને ચરવા માટવ છુટા મુકી દીધા હતાં. આ બાબતે વનરાજભાઇએ બન્ને શખ્સોને ઠપકો આપતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ વનરાજભાઇને માર મારવાની ધમકી આપી હતી. આથી વનરાજભાઇએ ખેતરમાં રૂપિયા ૪૦ હજારના નુકસાન અંગે બન્ને શખ્સો વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.