જોરાવરનગર પોલીસ મથકના મહિલા હેડકોન્સ્ટેબલને જાતિ અપમાનિત કર્યાની ફરિયાદ
- અરજી મામલે માથાકુટ કરી હતી
- અપશબ્દો બોલનાર રતનપરની મહિલા વિરૂદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો
સુરેન્દ્રનગર : જોરાવરનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડકોન્સ્ટેબલ સાથે રતનપરની મહિલાએ અરજીની તપાસ બાબતે માથાકુટ કરી મહિલા પોલીસ કર્મચારીને અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મહિલા પોલીસ કર્મીએ રતનપરની મહિલા વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જોરાવરનગર પોલીસ મથકમાં ફરજ બજાવતાં હેડકોન્સ્ટેબલ સોનલબેન મોતીભાઇ સુમેરા પીએસઓના ચાર્જમાં હતાં. તે દરમિયાન વર્ષાબેન બીપીનભાઇ જાદવ તેમના પતિ વિરૂધ્ધ અરજી આપવા આવ્યાં હતાં. ત્યારે તેમની સાથે રહેલા અન્ય મહિલા રતનપરના ભારતીબેન ઉર્ફે આરતીબેન વર્ષાબેનને અરજી ન કરવા અને સમાધાન કરવા દબાણ કરતાં હતાં.
આથી મહિલા પોલીસ કર્મીએ ભારતીબેનને સમાધાન માટે દબાણ ના કરવાનુ કહેતા ભારતીબેન ઉશ્કેરાઇ ગયાં હતાં અને ત્યારબાદ મહિલા પોલીસ કર્મીને ફોન કરી અવારનવાર અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કરતાં હતાં.
આથી મહિલા પોલીસ કર્મચારી સોનલબેન સુમેરાએ રતનપરમાં રહેતા ભારતીબેન ઉર્ફે આરતીબેન વાણંદ વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવતા જોરાવરનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.