દાધોળિયામાં બે વ્યક્તિઓને લાકડાના ધોકાથી માર્યાની ફરિયાદ

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
દાધોળિયામાં બે વ્યક્તિઓને લાકડાના ધોકાથી માર્યાની ફરિયાદ 1 - image


- રાયસંગપર ગામના બોર્ડ પાસે બોલાવી

- બાઈક લોનના બાકી હપ્તાની ઉઘરાણી કરવા ગયા હતા ત્યારે હુમલો કર્યો

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના દાધોળિયા ગામના વ્યક્તિના બાઇકની લોનના બાકી બે હપ્તાની ઉઘરાણી માટે ગયેલા બે યુવાનોને ૩ શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી તેમજ કારમાં નુકસાન કર્યા અંગેની ફરિયાદ મુળી પોલીસ મથકે નોંધાઈ હતી. 

મુળીના કુકડા ગામે રહેતા કુલદીપસિંહ જયેન્દ્રસિંહ પરમાર ખાનગી ફાઇનાન્સ કંપનીની રિકવરી એજન્સીમાં ફરજ બજાવે છે. આથી કુલદીપસિંહ તેમજ તેમના મિત્ર રૂષિરાજસિંહ અશોકસિંહ પરમાર દાધોળિયા ગામના રણછોડભાઈ જીવણભાઇ ઝેઝરીયાના બાઇકની લોનના બે હપ્તા બાકી હોય તેની ઉઘરાણી માટે ગયા હતા.

 તથા બાકી હપ્તા ભરવા અંગે રણછોડભાઈને ફોન કર્યો હતો. ત્યાર બાદ રામદેવસિંહ નામના શખ્સે તેમને ફોન કરી હપ્તાના બાકી રૂપિયા લેવા રાયસંગપર ગામના બોર્ડ પાસે બોલાવ્યા હતા. જ્યાં પહોંચતા રામદેવસિંહ ગજુભા ઝાલા, રૂષીરાજસિંહ ગજુભા ઝાલા અને ૫ૃથ્વિરાજસિંહ ઝાલા નામના ૩ શખ્સો લાકડાના ધોકા સાથે ઉભા હતા અને તમારી ચકલી બહુ ફુલેકે ચડી છે તેમ કહી ત્રણેય શખ્સોએ લાકડાના આડેધડ ઘા ઝીંકતા કુલદીપસિંહ અને રૂષિરાજસિંહને ઇજાઓ પહોંચી હતી.

 તેમજ કારમાં પણ નુકસાન કર્યું હતુ. ત્યાર બાદ ત્રણેય શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ મુળી અને ત્યાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. 

આ મુળી પોલીસે રામદેવસિંહ ગજુભા ઝાલા, રૂષીરાજસિંહ ગજુભા ઝાલા અને ૫ૃથ્વીરાજસિંહ ઝાલા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News