સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તલાટી કૌભાંડના આરોપીનું નામ ચર્ચાતા કમલમ્ માં ફરિયાદ
- ભાજપના નવા સંગઠનને લઈ બેઠકનો ધમધમાટ
- જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નંદલાલ પટેલનું નામ ચર્ચાતા નવા જૂનીના એંધાણ : આગેવાનો- કાર્યકરો ગોડફાધરના શરણે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નવા સંગઠનને ધ્યાને લઈ બેઠકોનો દોર શરૃ થઈ ચુક્યો છે અને પ્રદેશની સુચના મુજબ નવા સંગઠનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. ત્યારે તલાટી કૌભાંડના આરોપી અને જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નંદલાલ પટેલનું જિલ્લા પ્રમુખ તરીકે નામ ચર્ચાતા કમલમ્ સુધીફરિયાદો થઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નવા સંગઠનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ પક્ષ દ્વારા વિગતો મંગાવવામાં આવી છે. જેમાં સતત વિવાદોમાં રહેતા અને તલાટી કૌભાંડના આરોપી તેમજ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નંદલાલ પટેલનું પણ જિલ્લા પ્રમુખની રેસમાં નામ ચર્ચાર્યું હતું.જે વવાદીત નંદલાલા પટેલને લઇ કમલમ સુધી રજુઆત કરવામાં આવતાં રાજકારણમાં નવા-જુની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.
જિલ્લા પ્રમુખ, મહામંત્રી, મંત્રી તેમજ યુવા ભાજપની ટીમના પણ તમામ હોદ્દેદારોને બદલી નવા સંગઠનની જાહેરાત કરાશે જેને લઈ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. જ્યારે બીજી બાજુ ભાજપપક્ષમાં ઉચ્ચ હોદ્દો મેળવવા ભાજપ સાથે સંકળાયેલા આગેવાનોએ પોતાના ગોડફાધરનો છાના ખુણે સંપર્ક કરી લાગવગોનો દોર શરૃ કરી દીધો છે.