વઢવાણના યુવાનને માર મારવા મુદ્દે ડિવાયએસપી સહિત ત્રણ સામે ફરિયાદ
- ડિવાયએસપી સામે ગુનો નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ
- જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ : બે પોલીસ કર્મચારી સામે પણ ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના માલધારી સમાજના યુવા આગેવાનને સુરેન્દ્રનગરના ડીવાયએસપી દ્વારા માર મારવા મામલે ડીવાયએસપી તેમજ બે પોલીસ કર્મચારીઓ સહીત કુલ ૩ વ્યક્તિઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે ડીવાયએસપી કક્ષાના અધિકારી સામે ગુનો નોંધાતા સુરેન્દ્રનગર સહિત જિલ્લાભરના પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
વઢવાણમાં રહેતા અને માલધારી સમાજના આગેવાન સતિષભાઇ ગમારાને સુરેન્દ્રનગર ડીવાયએસપી વી.બી.જાડેજા દ્વારા જોરાવરનગર પોલીસ મથકે બોલાવી માર મારવામાં આવ્યો હોવા અંગે શનિવારે એ ડિવિઝન પોલીસ મથકે તેમજ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવ્યા બાદ મોડી સાંજે ડીવાયએસપી તેમજ બે પોલીસ કર્મચારીઓ સહીત કુલ ૩ વ્યક્તિઓ સામે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં ભોગ બનનાર સતિષભાઇ ગમારાએ લેખીતમાં જણાવ્યું હતું કે ડીવાયએસપી દ્વારા તેમને જોરાવરનગર પોલીસ મથકે બોલવી પ્રાથમિક પુછપરછ કર્યા બાદ બે ત્રણ થપ્પડ મારી દીધી હતી તેમજ અન્ય બે પોલીસ કર્મચારીઓ જે સિવિલ ડ્રેસમાં હતા તે કર્મચારીઓ દ્વારા સતિષભાઇને પકડી રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગાળો આપી ગાળો આપી લાતો મારી હતી.અને મારા સમયકાળ દરમિયાન જો કોઇ જગ્યાએ ધ્યાનમાં આવીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવતા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી વી.બી.જાડેજા અને અન્ય બે પોલીસ કર્મચારીઓ સામે આઇપીસીની કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), તથા ૧૧૪ મુજબ ગુનો નોંધવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. હવે ફરીયાદ બાદ પોલીસ અધિકારી અને કર્મચારી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.