ઘ્રાંગધ્રાના હીરાપુરના યુવાન સાથે છેતરપિંડી મામલે બે શખ્સો સામે ફરિયાદ
- ચેક રિટર્નની નોટિસ આપી ધમકાવ્યા
- ક્રિકેટના સટ્ટામાં રૂપિયા હારી જતા વસુલાત માટે ચેક પાડવી ખોટી સહીઓ કરાવી લીધી
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના હીરાપુર ગામનો યુવાન ધ્રાંગધ્રાના શખ્સ પાસે ક્રિકેટના સટ્ટામાં રૂપિયા હારી ગયા બાદ પૈસાની ઉઘરાણી માટે ધ્રાંગધ્રાના શખ્સે યુવાન પાસેથી બળજબરીથી તેના પિતાના બેંક એકાઉન્ટનો કોરો ચેક પડાવી લઇ તેમાં યુવાન પાસે તેના પિતાની ખોટી સહી કરાવી લીધી હતી. અને આ ચેકમાં રૂા.૨,૪૫,૦૦,૦૦૦ની રકમ ભરી બેંકમા ભરતા આ ચેક રિટર્ન થતાં કાપડના વેચાણના ખોટા બીલ બનાવી તેના ઉઘરાણી માટેની નોટીસ પાઠવતા ભોગ બનનાર યુવાને ધ્રાંગધ્રાના શખ્સ તેમજ કાપડના ખોટા બનાવનાર સહીત બે શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરીહતી.
ધ્રાંગધ્રા તાલુકાના હીરાપુર ગામે રહેતા તેજશભાઇ વાસુદેવભાઇ ગઢીયાએ ધ્રાંગધ્રાના પરેશભાઇ રબારી પાસેથી ક્રિકેટનો સટ્ટો રમવા માટે આઇડી લીધું હતું જેમાં રૂપિયા પાંચ લાખ હારી ગયાં બાદ તેજશભાઇએ રૂા.૫,૫૦,૦૦૦ નો ચેક આપ્યો હતો અને તેમાંથી રૂપિયા ૫૦ હજાર રાજચરાડીના હરેશભાઇ વરમોરાને આપવાનું જણાવ્યું હતું ત્યાર બાદ તેજશભાઇ વધુ ૪,૫૦,૦૦૦ હારી ગયાં હતા .
જે રૂપિયાની કડક ઉઘરાણી કરતા તેજશભાઇએ તેમના પિતાના બેંક એકાઉન્ટનો કોરો ચેક લઇને ગયા હતા અને પૈસા માટે થોડા દિવસ રાહ જોવાનું કહેતા પરેશ રબારીએ બળજબરીથી ચેક ઝૂંટવી લઇ તેજશભાઇ પાસે ચેકમાં તેમના પિતાની સહી કરાવી લીધી હતી.
અને ત્યાર બાદ તેજશભાઇએ સટ્ટો રમવાનુંપણ બંધ કરી દીધું હતું ત્યારે અચાનક તેમના પિતાના નામે રૂપિયા ૨.૪૫ કરોડના ચેક રિટર્ન અંગેનીનોટીસ તેમજ કાપડના બીલ સહીતની ટપાલ ઘરે આવી હતી.જેમાં તેજશભાઇના પિતાએ બાવળાના રૂપાલ ગામના જાકીરહુસેન ઇસ્માઇલભાઇ વ્હોરા પાસેથી રૂપિયા ૨.૪૫ કરોડનું કાપડ ખરીદી કર્યાં પેટે આ ચેક આપ્યો હોવાનો નોટીસમાં ઉલ્લેખ હતો.
આમ પરેશભાઇ રબારીએ રૂપિયાની ઉઘરાણી મામલે જાકીરહુસેન સાથે મળી ખોટા બિલો બનાવી ચેક રિટર્ન અંગેની નોટીસ આપવા અંગે તેજશભાઇએ બન્ને શખ્સો વિરૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.