અરજદાર પાસે વારસાઈ નોંધ માટે નાણાં માગ્યા હોવાનો તલાટી સામે આક્ષેપ
- ધોળકા તાલુકાના કોંઢ ગામના
- જમીનમાં વારસાઈ નોંધ કરાવવા પેઢીનામા માટે નાણાં માગતા ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત
બગોદરા તા. 19 ઓગસ્ટ 2019, સોમવાર
ધોળકા તાલુકાના કોઠ ગામના અરજદાર પાસેથી નવેસરથી વારસાઈ કરાવવા માટે પેઢીનામા પેટે તલાટી કમ મંત્રી દ્વારા રોકડ રકમ માંગવામાં આવી હોવાની લેખીત ફરિયાદ અરજદારે મુખ્યમંત્રીના ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં કરી હતી અને જવાબદાર તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.
ધોળકા તાલુકાના કોઠ ગામે રહેતાં મહેન્દ્રગીરી બચુગીરી ગોસાઈની બાવળા તાલુકાના મીઠાપુર ગામની સીમમાં સર્વે નં.૨૬૮ વાળી જમીનમાં ધોળેશ્વર મહાદેવના પુજારી સુખદેવગીરી કાશીગીરીનું નામ ચાલ્યું આવે છે. જેની સામે ધોળકા પ્રાંત અધિકારી સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી અને જે તે સમયે રેવન્યુ રેકર્ડમાં પડેલ નોંધ નામંજુર કરતો હુકમ કરવામાં આવ્યો હતો.
તેમજ ત્યારબાદ નવેસરથી વારસાઈ કરાવવાની હોય પેઢીનામું કઢાવવાની જરૂરીયાત હોય કોઠ ગામનાં તલાટી કમ મંત્રી નિલેશ શર્મા દ્વારા પંચોને બોલાવી પંચનામું તૈયાર કર્યું હતું અને પેઢીનામા પેટેની ફી નિયમ મુજબ રૂા. ૧૦૦ આપવામાં આવતાં તે રકમ પાછી આપી તલાટી દ્વારા રૂા. ૨૫,૦૦૦ની લાંચ માંગી હતી અને પેઢીનામું લેવાં આવે ત્યારે આ રકમ લાવવાનું કહ્યું હતું તેમજ જો રકમ લીધા વગર કચેરીમાં આવશે તો ખોટો કેશ કરી ફસાઈ દેવાની ધમકી આપી હતી.
જે અંગે અગાઉ લેખીત અરજી તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવી હતી પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી અને જિલ્લા વિકાસ અધિકારીને પણ આ અંગે જાણ કરી હતી છતાં આજ દિવસ સુધી તલાટી દ્વારા પેઢીનામા ઉપર સહી સીક્કા કરી આપવામાં આવ્યાં નથી અને પેઢીનામા માટે ટીડીઓ સહિત તલાટી પાસે રૂબરૂ ગયાં હતાં તે દરમ્યાન પણ તલાટી દ્વારા દાદાગીરી કરી ગમે તેનો ફોન આવે તો પણ કાંઈ જ ફરક પડશે નહીં તેમ જણાવ્યું હતું.
જ્યારે આ મામલે ટીડીઓ બી.બી.સાધુ સાથે ટેલીફોનીક વાતચીત દરમ્યાન ભોગ બનનાર અરજદાર રૂા.૨૫,૦૦૦ની રકમ માંગી તે સ્ટેમ્પ પેપર પર લખી આપશે તો તલાટી વિરૂધ્ધ કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું. જ્યારે તલાટી નિલેશ શર્માના જણાવ્યા મુજબ અરજદાર મહેન્દ્રગીરીએ પેઢીનામામાં ફઈબાઓના નામ છુપાવ્યા હોવાથી પેઢીનામું નહિં બનાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે આ મામલે ધોળકા પ્રાંત અધિકારીએ અરજદારને રૂબરૂ પણ બોલાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.