કેન્દ્રિય મંત્રીના પૂતળા દહન મામલે ૧૦ શખ્સો સામે ફરિયાદ

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
કેન્દ્રિય મંત્રીના પૂતળા દહન મામલે ૧૦ શખ્સો સામે ફરિયાદ 1 - image


- ક્ષત્રિય સમાજના અપમાન મામલે વિરોધ

- સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે મોટીસંખ્યામાં ક્ષત્રીય સમાજના લોકો એકત્ર થયા 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના જુના હાઉસિંગ રોડ પર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરસોત્તમ રૃપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. જે મામલે બી-ડિવીઝન પોલીસ મથકે ૧૦ શખ્સો સામે ફરિયાદ નોંધાતા તમામ શખ્સોને બી-ડિવીઝન પોલીસ મથકે બપોરે હાજર કરવામાં આવ્યા હતા. આ તકે મોટીસંખ્યામાં ક્ષત્રિય સમાજના હોદ્દેદારો અને આગેવાનો એકત્ર થયા હતા.

સુરેન્દ્રનગરના જુના હાઉસિંગ બોર્ડ પાસે આવેલા ક્ષત્રિય સમાજના મધ્યસ્થ કાર્યાલય બહાર ક્ષત્રિય સમાજ વિરૃધ્ધ અપમાનજનક નિવેદન આપવાના વિરોધમાં કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૃપાલાના પુતળાનું મોડીસાંજે દહન કરવામાં આવ્યું હતું. 

જે મામલે બી-ડિવીઝન પોલીસ મથકે યુવરાજસિંહ જયુભા પરમાર, કૃષ્ણપાલસિંહ લગધીરસિંહ ઝાલા (બંને રહે.દાળમીલ રોડ), ઓમદેવસિંહ ઝાલા, મહાવિરસિંહ ઝાલા (મુળ રહે.લાલીયાદ), નિર્મળસિંહ ઝાલા (રહે. દૂધરેજ), વિશ્વરાજસિંહ ઝાલા, હરદેવસિંહ પરમાર (બંને રહે.સુરેન્દ્રનગર), મયુરસિંહ, હિતેન્દ્રસિંહ જાડેજા અને રાજભા ઝાલા (રહે.દાળમીલ રોડ) સામે જાહેરનામાના ભંગ બદલ બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. 

જેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને ફરિયાદ નોંધાયા બાદ બપોરે મોટીસંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, હોદ્દેદારો, યુવાનો સહિતનાઓ બી-ડિવીઝન પોલીસ મથકે એકત્ર થયા હતા. જ્યારે ફરિયાદ નોંધાયેલા તમામ ક્ષત્રિય સમાજના શખ્સોને પોલીસ મથકે હાજર કર્યા હતા અને જામીન મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે.


Google NewsGoogle News