Get The App

અમદાવાદના દંપતી અને પુત્રના અપહરણ મામલે બે વર્ષ બાદ ફરિયાદ

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
અમદાવાદના દંપતી અને પુત્રના અપહરણ મામલે બે વર્ષ બાદ ફરિયાદ 1 - image


- વસ્તડી હાઈવેની હોટેલેથી દંપતીની જ કારમાં અપહરણ થયું હતું

- સનાથળ ચોકડી પાસે ભોગ બનનારે હિંમત કરતા પરિવારનો છૂટકારો થયો હતો ઃ વઢવાણ કોર્ટે હુકમ કરતા જોરાવરનગર પોલીસે ૧૧ શખ્સો સામે ગુનો દાખલ કરવો પડયો

સુરેન્દ્રનગર : અમદાવાદનું દંપતી પુત્ર સાથે વસ્તડી હાઇવે પર આવેલી દર્શન હોટલ ખાતે હોલ્ટ કરવા ઉભા રહ્યાં હતાં તે દરમિયાન ૧૧ શખ્સોએ દંપતિનું તેમની જ કારમાં અપહરણ કરી અમદાવાદ લઇ ગયાં હતાં જ્યાં સનાથળ ચોકડી પાસે ભોગ બનનાર યુવાને હિંમત કરતા પરિવારનો છુટકારો થયો હતો. પરંતુ બે વર્ષ પહેલા આ બનાવ મામલે તે સમયે પોલીસ અપહરણની ફરીયાદ ન નોંધતા અપહરણનો ભોગ બનનાર યુવાને વઢવાણ કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા કોર્ટે  ફરીયાદ નોંધવાનો હુકમ કરતા આખરે જોરાવરનગર પોલીસ હરકતમાં આવી અને કુલ ૧૧ વ્યક્તિઓ સામે અપહરણ સહીતની ફરીયાદ નોંધી હતી.

અમદાવાદમાં રહેતા દ્રશ્યભાઇ અશોકભાઇ આશરા તારીખ ૨-૭-૨૧ના રોજ પત્ની અને પાંચ વર્ષના પુત્ર સાથે અમદાવાદથી રાજકોટ જઇ રહ્યાં હતાં તે દરમિયાન દર્શન હોટલ ખાતે હોલ્ટ કરવા ઉભા રહ્યાં હતા તે દરમિયાન એક શખ્સે વિડીયો કોલ કરી તેમની ઓળખની ખરાઇ કરાવી હતી ત્યાર બાદ તેનું નામ ગટુ અને બ્રિજેશભાઇ ઠક્કરનો સાળો હોવાનું જણાવ્યું હતુ.ગટુ સાથે તેના મમ્મી અને એક અજાણ્યો શખ્સ પણ હતા અને ત્રણેય વ્યક્તિઓએ મળી દ્રશ્યભાઇના પરિવારને હોટલ પર જ રોકી રાખ્યાં હતા તે દરમિયાન રાજકોટનો ભુષણ મેર નામનો શખ્સ ત્યાં આવ્યો હતો જેણે દ્રશ્યભાઇને તેમજ તેમની પત્નિને માર માર્યો હતો. જો કે હોટલનો મેનેજર વચ્ચે પડી દ્રશ્યભાઇને બચાવ્યા હતાં ત્યાર બાદ થોડી વારમાં અન્ય શખ્સો પણ ધસી આવ્યા હતા અને દ્રશ્યભાઇને માર મારી તેમની પત્નિ પાસેથી મોબાઇલ લૂંટી લઇ દ્રશ્યભાઇને પરિવાર સાથે બળજબરીથી કારમાં બેસાડી અમદાવાદ તરફ કાર લઇ જવા જણાવ્યું હતું. 

બે કાર તેમની કારની આગળ અને એક કાર પાછળ હોવાનું જણાવી કોઇ પણ પ્રકારની ચાલાકી ન કરતો નહીંતર તારી પત્નિ અને બાળકને ચાલુ કારમાંથી ધક્કો મારી દેવાની ધમકી આપી હતી.  ત્યાર બાદ બગોદરા ચોકડી પાસે કાર ઉભી રખાવી હતી જ્યા અન્ય શખ્સો છરી તેમજ લાકડી સહીતના હથિયારો સાથે આવ્યા હતા અને દ્રશ્યભાઇને લાકડી વડે માર માર્યો હતો અને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. 

દંપતિ અને પુત્રનુ અપહરણ કરી લઇ જવામાં આવી રહ્યાં હતા તે દરમિયાન સનાથળ ચોકડી પાસે ટ્રાફીકનો લાભ લઇ દ્રશ્યભાઇએ હિંમત કરી ગાડીમાંથી ચાવી કાઢી લઇ નીચે ઉતરી ત્યાં હાજર પોલીસ કર્મચારીને જાણ કરી હતી. આથી પોલીસે દંપતિ અને પુત્રને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યા હતાં પરંતુ સનાથળ પોલીસે કોઇ ફરીયાદ નોંધી ન હતી. અપહરણકારોએ માર મારેલ હોય દ્રશ્યભાઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયાં હતાં જ્યાં સોલા પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે નિવેદન લીધું હતું પરંતુ બનાવ જોરાવરનગર પોલીસની હદમાં હોવાનું કહી ફરીયાદ નોંધવાની ના પાડી દીધી હતી. આથી દ્રશ્યભાઇ આખરે જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા આવ્યા હતાં પરંતુ જોરાવરનગર પોલીસે તે સમયે અપહરણની નહી માત્ર મારામારીની ફરીયાદ નોંધવાનું કહેતા આખરે અપહરણનો ભોગ બનનારે ન્યાય માટે વઢવાણ કોર્ટનું શરણ લીધું હતું અને ૧૯-૮-૨૧ ના રોજ વઢવાણ કોર્ટમાં અરજી આપી હતી જે અંગે તારીખ ૨૪-૧૧-૨૩ ના રોજ કોર્ટે કુલ ૧૧ શખ્સો સામે ફરીયાદ નોંધાવનો હુકમ કરતા જોરાવરનગર પોલીસે કુલ ૧૧ શખ્સો સામે અપહરણ,મારામારી સહીતના બનાવો અંગેની ફરીયાદ નોંધી છે. અપહરણ કરવાનું મુખ્ય કારણ ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી દ્રશ્યભાઇએ બ્રિજેશ ઠક્કર, રસીકભાઇ ઠક્કર, ભુષણ મેર, ચીરાગ ઠક્કર અને પ્રીયંકા ઠક્કર પાસેથી ૧૦ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા અને તે રકમ વ્યાજ સહીત પરત કરી દીધી હોવા છતાં ૩૦ ટકા વધારે વ્યાજ સહીત મુદ્દલની રકમની માંગણી કરતા હતા જેને લઇને દ્રશ્યભાઇએ વ્યાજખોરોના ત્રાસથી ઘર પણ છોડી દીધું હતું અને વ્યાજખોરોએ દ્રશ્યભાઇના મોટા પપ્પાના નામે જે મકાન હતું તેના દસ્તાવેજની અસલ ફાઇલ પણ બળજબરીથી લઇ જઇ મકાન તેમના નામે કરી આપવા દબાણ કરે છે. ત્યારે આ સમગ્ર મામલે આખરે કોર્ટના હુકમ બાદ જોરાવરનગર પોલીસે કુલ ૧૧ વ્યક્તિઓ સામે ફરીયાદ તો નોંધી છે પરંતુ પોલીસ આરોપીઓ વિરૂધ્ધ કેવી કાર્યવાહી કરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

કોના વિરૂધ્ધ ફરીયાદ નોંધાઇ

(૧) બ્રીજેશ રસીકભાઇ ઠક્કર

(૨) રસીકભાઇ ઠક્કર

(૩) પ્રીયંકા ઠક્કર

(૪) ભુષણ મેર

(૫) ચીરાગ ઠક્કર 

(૬) ગટુ (બ્રીજેશનો સાળો)

(૭) ગટુના મમ્મી

(૮) અજાણી એક સ્ત્રી

(૯) ત્રણ અજાણ્યા પુરૂષો


Google NewsGoogle News