વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ સહિતના પાકની હરાજીનો પ્રારંભ

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ સહિતના પાકની હરાજીનો પ્રારંભ 1 - image


- પ્રથમ દિવસે 3000 મણ કપાસની આવક

- 1150 થી 1450 સુધીના ભાવો બોલાયા, પોષણસમ ભાવો આપવા ખેડૂતોની માંગ 

સુરેન્દ્રનગર : વઢવાણ માર્કેટીંગ યાર્ડ ખાતે કપાસ સહીતના પાકની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હરાજીના પ્રથમ દિવસે કપાસના પાકના ભાવ રૂા.૧,૧૫૦ થી ૧,૪૫૦ સુધી બોલાયા હતા. ખેડૂતોમાં વધુ ૫ોષણસમ ભાવો મળી રહે તેવી માંગ ઉઠી છે.

વઢવાણ માર્કેટીંગ યાર્ડ ખાતે કપાસની હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વઢવાણ તેમજ આસપાસનાં ગામો દેદાદરા, કોઠારીયા, ટુવા, ટીંબા, ગુંદીયાળા, મેમકા, ખોલડીયાદ, વાડલાના ખેડૂતો પોતાનો કપાસ વેચવા આવ્યા હતા. પરંતુ આ વર્ષે કપાસના ભાવ તળીયે બેસી ગયાં હોય તેમ યાર્ડમાં હરાજીમાં કપાસના ભાવ રૂા.૧,૧૫૦ થી ૧,૪૫૦ સુધી  બોલાયા હતા. બહુ સારો કપાસ હોય તેના ભાવ ૧૪૫૦ સુધી બોલાયા હતા.

 ખેડૂતોએ મોંઘાભાવાના બીયારણ અને દવાનો ખર્ચ કર્યા બાદ કપાસના પાકમાં રોગ અને ઇયળોના ઉપદ્રવના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે બીજી તરફ હરાજીમાં પણ માંડ કપાસના ભાવ રૂા.૧,૪૫૦ સુધી બોલાતા ખેડૂતોને નુકશાની જવાની ભીતી સેવાઈ રહી છે. આથી ખેડુતોને પ્રતિ મણ દીઠ કપાસના વધુ ભાવો મળે તેવી માંગ ઉઠવી છે. 

પ્રથમ દિવસે વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં અંદાજે ૩૦૦૦ મણ કપાસની આવક થઈ હતી અને ખેડુતોએ હજુ પણ ઉંચા ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી આશાઓ વ્યક્ત કરી હતી. આ તકે વઢવાણ માર્કેટ યાર્ડના ચેરમેન રામજીભાઈ ગોહિલ તેમજ બોર્ડના સભ્યોએ હરાજીનો આરંભ કરાવ્યો હતો.  તેમજ સેક્રેટરી રાજુભાઈ ત્રિવેદી, કર્મચારીઓ પ્રફુલભાઈ ત્રિવેદી, સંજયભાઈ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News