ધ્રાંગધ્રા જીઆઈડીસીમાં મજુરીકામ બાબતે બે પક્ષો વચ્ચે મારામારી
- પાવડા અને ધારિયાથી હુમલો
- બંને પક્ષોની ફરિયાદના આધારે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક માટીના કારખાનામાં મજુરીકામ બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ધારિયા અને પાવડાથી હુમલો કર્યો હોવાની બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા ખાતે રહેતા અને જીઆઈડીસી વિસ્તારમાં આવેલા માટીના કારખાનામાં મજુરીકામ કરતા શકુબેન રસુલભાઈ લઘાણી કારખાને ગયા હતા. તે દરમિયાન બપોરના સમયે મોઈનભાઈ સલીમભાઈ મમાણીએ ફોન કરી તેમના કારખાને માટીની ગાડી ભરવા બોલાવ્યા હતા. આ અંગે તેણીએ ના પાડી હતી.
તેણી સાંજે કારખાનામાં કામ કરી રહ્યાં હતાં. તે દરમિયાન મેરૂભાઈએ આવી લોખંડના ધારીયા વડે ફરિયાદીના ગાલ અને હાથ ઉપર ઘા ઝીંક્યા હતા. તેમજ તેણીના દિકરો સદામભાઈ અને તેનો મિત્ર દશરથભાઈને પણ મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટયા હતા. જે અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસે મેરૂભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધી હતી.
જ્યારે સામાપક્ષે ફરિયાદી મેરૂભાઈ વાઘેલાએ પણ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ માટીના કારખાનામાં મજુરીકામ કરતા હતા, ત્યારે શકુબેને ફરિયાદી મેરૂભાઈને કામે નહિં આવવા દેવા બાબતે વિરોધ કર્યો હતો અને શકુબેનના દિકરા સદ્દામે ફરિયાદીને પાવડાના તેમજ લાકડાના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી.
જે અંગે ત્રણ શખ્સો શકુબેન રસુલભાઈ લધાણી, સદ્દામ ઉર્ફે ફૈજાન રસુલભાઈ લધાણી અને દશરથભાઈ રમેશભાઈ સામે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.