રતનપરમાં બે જુથો વચ્ચે મારામારી, બે શખ્સોને ઈજા
- ધારિયા, છરી સહિતના હથિયારો વડે હુમલો
- બંને પક્ષની સામસામે ફરિયાદના આધારે 15 શખ્સો સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : રતનપર વિસ્તારમાં અગાઉના ઝઘડાના મનદુઃખ બાબતે માથાકુટ થતાં બે જુથના લોકોએ એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં બંને જુથના કુલ બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. જ્યારે આ મામલે બંને પક્ષોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ૧૫ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
રતનપરમાં રહેતા રફીકભાઇ કાસમભાઇ માલાણીના દિકરા ઇમ્તિયાજને મહેબુબભાઇ ભટ્ટી તથા સાહિલભાઇ માણેક સાથે ઝઘડો થયો હોવાથી તેના સમાધાન માટે ગયા હતા. તે દરમિયાન ઉશ્કેરાયેલા મહેબુબભાઇ ફતેમહમદભાઇ ભટ્ટી, વસીમભાઇ મહેબુબભાઇ ભટ્ટી, સાહિલભાઇ અબ્બાસભાઇ માણેક અને ઇમરાનભાઇ ફતેમહમદભાઇ ભટ્ટીએ છરી તેમજ ધારીયા સહીતના હથિયારો વડે હુમલો કરતા રફીકભાઇને ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવાયા હતાં.
આ હુમલાના બનાવ અંગે રફીકભાઇએ ચારેય શખ્સો વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે ફરોઝભાઇ સલીમભાઇ મોવરે જોરાવરનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રતનપર તેમના બનેવી મહેબુબભાઇ ભટ્ટીની દુકાન પાસે ઇમ્તિયાઝ રફીકભાઇ માલાણી, અનીશભાઇ રફીકભાઇ માલાણી, સમીર ગુલામહુસેન માલાણી, રોનક મહેબુબભાઇ મોવર તથા કાસીમભાઇ રહીમભાઇ જેડા અપશબ્દો બોલતા હોય અપશબ્દો બોલવાની ના પાડતા લાકડાના ધોકા તેમજ છરી અને ધારીયા સહીતના હથિયારો વડે હુમલો કર્યો હતો.
જેમાં મહેબુબભાઇને બચાવવા જતાં ફરોઝભાઇને છરીનો ઘા વાગી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ફરોઝભાઇને સારવાર માટે લઇ જવામાં આવતા હતા. તે દરમિયાન અન્ય શખ્સો ધસી આવ્યા હતાં અને ફરીવાર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં ફરોઝભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
આ મામલે ફરોઝભાઇએ ઇરફાન કાસમભાઇ માલાણી, ગુલમહંમદ રહીમભાઇ જેડા, ઇમ્તીયાઝ રફીકભાઇ માલાણી, અનીશભાઇ રફીકભાઇ માલાણી, સમીર ગુલામહુસેન માલાણી, રોનકભાઇ મહેબુબભાઇ મોવર, કાસીમ રહીમભાઇ જેડા, રફીકભાઇ કાસમભાઇ માલાણી, મુસ્તાક રફીમભાઇ માલાણી, સાહિલ ગુલામહુસેન માલાણી અને આશીફ ગુલામહુસેન માલાણી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદમાં કુલ ૧૫ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.