નિમકનગરમાં બે પરિવારો વચ્ચે મારામારી, સાતને ઈજા
- અગાઉના ઝઘડાના મનદુઃખ બાબતે
- બંને પક્ષોની ફરિયાદના આધારે આઠ શખ્સો સામે ગુનો નોંધાયો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે અગાઉના ઝઘડાના મનદુઃખ બાબતે બે પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં કુલ ૭ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ અંગે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે કુલ ૮ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
નીમકનગરમાં રહેતા ફીરોજભાઇ આદમભાઇ જેડાના માતાનું એક માસ પહેલા અવસાન થયું હતું. જેમની જારદ સમયે ઘર બહાર બાંધેલા મંડપ બાબતે નીઝામ હુશેન પારેડી અને હનીફ હુશેન પારેડી સાથે બોલાચાલી થઇ હતી. જે બાબતનું મનદુઃખ રાખી નીજામ હુશેન પારેડી, હનીફ હુશેન પારેડી, જાબીદ જલાઉદીન પારેડી અને યાસીન દાઉદ પારેડીએ ફીરોજભાઇ, રાણાભાઇ મહંમદબાઇ જેડા, ઇરાન અબ્દુલભાઇ જેડા અને આમીનભાઇ હાસમભાઇ જેડાને સોપારી કાપવાના સુડા, લોખંડની ટામી, લાકડી તેમજ સોડાની ખાલી બોટલોના છુટ્ટા ઘા માર્યા હતા.
જેથી ચારેય ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ ધ્રાંગધ્રા અને ત્યારબાદ સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. આ મામલે ફીરોજભાઇએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કુલ ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
સામા પક્ષે નીઝામભાઇ, જાબીરભાઇ, હનીફભાઇ હુશેનભાઇ પારેડીને લોખંડના પાઇપ તેમજ લાકડી વડે ફીરોજભાઇ આદમભાઇ જેડા, ઇરાન અબ્દુલભાઇ જેડા, આમીનભાઇ હાસમભાઈ જેડા અને રાણાભાઈ મહંમદભાઇ જેડાએ માર મારી ઇજાઓ પહોંચાડયા અંગેની ફરિયાદ નીઝામભાઈ હુસેનભાઈ પારેડીએ નોંધાવી હતી.