ધ્રાંગધ્રાના નરશીપરામાં કાર સામે બાઈક નાંખવા બાબતે બે જુથ વચ્ચે મારામારી
- સીટી પોલીસ મથકે સામસામી 14 શખ્સ સામે ફરિયાદ
- ઈન્ચાર્જ પીઆઈની હાજરીમાં બનાવ બન્યો છતાં ફરિયાદમાં પાછળથી ફાયરીંગનો ઉલ્લેખ કરાયાની ચર્ચા
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં કારસામે બાઈક નાંખવા જેવી નજીવી બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સામસામે ૧૦થી વધુ શખ્સો સામે સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. જો કે આ સમગ્ર બનાવમાં ઈન્ચાર્જ મહિલા પીઆઈની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે અને આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ધ્રાંગધ્રાના કોંઢ ગામે રહેતા ફરિયાદી સંજયસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેમના કૌટુંમ્બીક સગા કિશોરભાઈ ધ્રાંગધ્રાથી કોંઢ ગામ તરફ કાર લઈ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન સાંજના સમયે નરશીપરા કોંઢ રોડ પર ફરિયાદીની કાર સામે ધ્રાંગધ્રા ખાતે રહેતા સંજયભાઈ ઉર્ફે ડાકુ અને કેતનભાઈ ઉર્ફે નકો મકવાણા બાઈક લઈ આવ્યા હતા અને કાર સામે બાઈક નાંખતા ફરિયાદીએ આ અંગે તેમને કહેતા બન્નેએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી જતા રહ્યાં હતા. ત્યારબાદ ફરિયાદી કાર સાથે સાઈડમાં ઉભા હતા ત્યારે ફરી વખત સંજયભાઈ ઉર્ફે ડાકુ, કેતનભાઈ ઉર્ફે નકો મકવાણા સહિત અન્ય ચાર થી પાંચ શખ્સો અને મહિલાઓએ એકસંપ થઈ ધારીયા, ધોકા, છરી જેવા હથિયારો વડે આવ્યા હતા અને ફરિયાદી તેમજ સાહેદ પર એસીડ જેવું પ્રવાહી નાંખ્યું હતું જેના કારણે ફરિયાદીને હાથે અને પગે તેમજ તેમના મિત્ર નિરૃભાના શરીર પર એસીડ પડતા બન્ને દાઝી ગયા હતા તેમજ ધારીયાના ઉંઘા ઘા ઝીંકી એકસંપ થઈ પથ્થરોના ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ચાર શખ્સો (૧) સંજયભાઈ ઉર્ફે ડાકુ (૨) કેતનભાઈ ઉર્ફે નકો મકવાણા (૩) નિતિનભાઈ દલવાડી અને (૪) નયનભાઈ ચૌહાણ તમામ રહે.નરશીપરા ધ્રાંગધ્રાવાળા તેમજ અન્ય અજાણ્યા મહિલા અને પુરૃષ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
જ્યારે સામાપક્ષે જ્યોતીબેન જગદીશભાઈ મકવાણાએ પણ સાતથી વધુ શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જે મુજબ ધ્રાંગધ્રાના કોપરણી ગામે રહેતા બલભદ્રસિંહ ઉર્ફે બલી જાડેજાએ નયનભાઈ હરજીભાઈની દુકાને વસ્તુ લેવા જતા બાકીમાં વસ્તુ આપવાની ના પાડી હતી જેનું મનદુઃખ રાખી સાતથી વધુ શખ્સો તેમજ અજાણ્યા શખ્સોએ પાનના ગલ્લાને નુકસાન પહોંચાડયું હતું તેમજ ફરિયાદીના ઘરે જઈ બલભદ્રસિંહ જાડેજા અને કનકસિંહ ભુપતસિંહ ઝાલાએ જાનથી મારી નાંખવાના ઈરાદે બંદુક દેખાડી ધમકાવ્યા હતા તેમજ અન્ય આરોપીએ એકસંપ થઈ ધારીયાના હાથા, લાકડી, પાઈપ સહિતના હથિયારો વડે ફરિયાદી તેમજ સાહેદ નયનભાઈના ઘરના બારી-બારણા તેમજ રસ્તા પર પડેલ વાહનોમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડયું હતું તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ભોગ બનનાર ફરિયાદીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ૮ શખ્સો (૧) બલભદ્રસિંહ ઉર્ફે બલી જાડેજા, રહે.કોપરણી (૨) ક્રિપાલસિંહ જાડેજા, રહે.ધ્રાંગધ્રા (૩) કનકસિંહ ભુપતસિંહ ઝાલા (એપીએમસી ચેરમેન ધ્રાંગધ્રા) રહે.કોંઢ (૪) શક્તિસિંહ શંભુસિંહ ઝાલા (૫) કિર્તિસિંહ શક્તિસિંહ ઝાલા (૬) સંજયસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (૭) બ્રિજરાજસિંહ અરવિંદસિંહ ઝાલા, તમામ રહે.કોંઢ તા.ધ્રાંગધ્રા અને (૮) અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર બનાવ ઈન્ચાર્જ મહિલા પીઆઈ ઝણકાતની હાજરીમાં બન્યો હોવા છતાં પ્રથમ આ બનાવમાં માત્ર બંદુક દેખાડી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ ફાયરીંગ થયું હોવાનો ફરિયાદમાં ઉમેરો કરાતા ઈન્ચાર્જ મહિલા પીઆઈની આ બનાવમાં શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.