સુરેન્દ્રનગરના કુંભારપરામાં બે પરિવાર વચ્ચે ધીંગાણુ, ત્રણને ઈજા
- પાણી છાંટવા બાબતે મારામારી
- બંને પક્ષોની ફરિયાદના આધારે 21 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના કુંભારપરા વિસ્તારમાં ઘર પાસે પાણી છાંટવા બાબતે બે પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં બંને પરિવારો વચ્ચે મારામારી થતાં કુલ ૩ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બંને પરિવારોની સામસામે ફરિયાદ નોંધાવતા બી-ડિવિઝન પોલીસે કુલ ૨૧ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ ઉર્ફે જબુદ અજુભાઇ ડેડાણીયાના ઘરની બાજુમાં રહેતા નાગરભાઇ ભીમાભાઇ સીહોરા ઘર પાસે બહાર પાણી છાંટતા હતા. જે પાણી પ્રવિણભાઇના ઘર પાસે આવતા પ્રવિણભાઇએ તેમના ઘર પાસે પાણી છાંટવાની ના પાડી હતી.
જેથી ઉશ્કેરાયેલા નાગરભાઇ અને તેમના પરિવારજનોએ અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. નાગરભાઇએ લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરતા પ્રવિણભાઇ અને તેમના દીકરા અલ્પેશને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. સારવાર બાદ ઘરે પરત ફરતા નાગરભાઇ સહિતનાએ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ મામલે પ્રવિણભાઇએ સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝન પોલીસ મથકે નાગરભાઇ ભીમાભાઇ સીંહોરા, વિષ્ણુભાઇ પ્રવિણભાઇ પનારા, દીપકભાઇ ખીમજીભાઇ, રાજેશભાઇ નાગરભાઇ સીહોરા, રાજુબેન ભાવીનભાઇ સીહોરા, કીશનભાઇ ભરતભાઇ સીહોરા, ભાવીનભાઇ નાગરભાઇ સીહોરા, કુંદનબેન સીહોરા, રમાબેન ઉર્ફે ધોમાબેન ભરતભાઇ, પ્રભાબેન ભરતભાઇ સીહોરા, મીનાબેન ભુરાભાઇ કાંજીયા અને દીપાબેન અનીલભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે નાગરભાઇ ભીમાભાઇ સીહોરાએ પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, પડોશીઓ દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ પાણી છાંટવા બાબતે ઝઘડો કરી અલ્પેશભાઇ પ્રવિણભાઇ તેમજ કિશોર ઉર્ફે કિશન પ્રવિણભાઇએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો.
તેમજ પ્રવિણભાઇ ઉર્ફે જબુદ અજુભાઇ ડેડાણીયા, પ્રિતિબેન પ્રવિણભાઇ, અનસોયાબેન પ્રવિણભાઇ, વિશાલભાઇ ચતુરભાઇ, અનિલ અને અન્ય બે અજાણ્યા શખ્સો સહીત કુલ ૯ શખ્સોએ ઝપાઝપી કરી મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત નાગરભાઇને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
આ અંગે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે પોલીસે કુલ ૨૧ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.