સુરેન્દ્રનગરના બજાર વિસ્તારના લારીધારકોને ત્રણ સ્થળે જગ્યાઓ ફાળવવાનું નક્કી કરાયું
- વૈકલ્પિક જગ્યા મુદ્દે લારીધારકો સાથે બેઠક બાદ નિર્ણય
- લારીધારકોના સુચન મુજબ મીલ રોડ, શ્રવણ ટોકીઝ રોડ અને તળાવ રોડ પર જગ્યા ફાળવવાનું આયોજન
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની બજારમાં મુખ્ય રસ્તાઓ પર ઉભા રહેતા લારીધારકોના કારણે ટ્રાફિકજામની સ્થિતિ વિકટ બનતી હોવાની તેમજ દુકાનદારોને હાલાકી પડી રહી હોવાની વેપારીઓ દ્વારા અવારનવાર રજૂઆતો કરાઈ હતી. જે અંગે છેલ્લા એક અઠવાડિયામાં ત્રણથી ચાર બેઠકો યોજાઈ હતી, તેમ છતાંય કોઈ જ ઉકેલ આવ્યો નહોતો. ત્યારે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં લારીધારકો સાથે બેઠક યોજાયા બાદ અલગ-અલગ ત્રણ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં લારીધારકો પણ સહમત થયા હતા.
સુરેન્દ્રનગર શહેરના બજાર વિસ્તારમાં રોડની બન્ને સાઈડ લારીધારકો તેમજ પરચુરણ ધંધાર્થીઓના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા તેમજ દુકાનદારોને હાલાકી પડતી હોવા અંગે વેપારી મહામંડળ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં બે વખત જિલ્લા કલેકટર તેમજ પાલિકા તંત્ર સાથે વિવિધ વેપારી એસોશીએસનના હોદ્દેદારોને લઈ બેઠક યોજાઈ હતી. જેમાં વેપારીઓ દ્વારા લારીધારકો માટે શહેરનું મેળાનું મેદાન, ભોગાવો રિવરફ્રન્ટ, અલંકાર સીનેમા રોડ પર આવેલી શાકમાર્કેટ, રેલવે ઓવરબ્રિજ નીચેની જગ્યા સહિતના વૈકલ્પિક સ્થળોના સુચનો આપવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા લારીધારકો સાથે બેઠક બાદ અંતિમ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે બીજે દિવસે જિલ્લા કલેકટર કે.સી.સંપટની અધ્યક્ષતામાં અલગ-અલગ વિસ્તારના લારીધારકો સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. જેમાં વારાફરતી લારીધારકોની રજૂઆતો અને સુચનો સાંભળવામાં આવ્યા હતા. આ બેઠકમાં લારીધારકોએ અલગ-અલગ ત્રણ જગ્યા પર વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી જગ્યા ફાળવવાની સહમતી દર્શાવી હતી. જેમાં સર્વાનુમત્તે મીલ રોડ, શ્રવણ ટોકીઝ રોડ તેમજ એનટીએમ હાઈસ્કુલથી તળાવ સુધીના રોડ પર લારીધારકોને જગ્યા ફાળવી ધંધો કરવાની મંજુરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, ડીવાયએસપી, પાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર ઉપસ્થિત રહ્યાં હતાં.
વૈકલ્પિક જગ્યાઓ પર સુવિધાઓ પુરી પાડવાની તંત્રની ખાત્રી
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાયા બાદ બજાર વિસ્તારના લારીધારકો માટે મીલ રોડ, શ્રવણ ટોકીઝ રોડ તેમજ એનટીએમ હાઈસ્કુલથી તળાવ સુધીના રોડ પર વૈકલ્પિક જગ્યા ફાળવવાનું સર્વાનુમત્તે નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં લારીધારકોએ પણ સહમતી દર્શાવી હતી.
ત્રણ વૈકલ્પિક જગ્યાઓ પર વહિવટી તંત્ર અને પાલિકા તંત્ર દ્વારા ઓટલા, છત્રી, વીજપુરવઠો સહિતની સુવિધાઓ પણ પુરી પાડવાની તંત્ર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી.
જગ્યાની ફાળવણી બાદ પણ બજારમાં ધંધો કરતા લારીધારકો સામે કાર્યવાહી કરાશે
લારીધારકો માટે વૈકલ્પિક ત્રણ જગ્યાઓની ફાળવણી કરાયા બાદ જિલ્લા કલેકટર દ્વારા બજારમાં લારીધારકોને ઉભા નહીં રાખવા દેવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. જો કોઈ લારીધારક બજાર વિસ્તારમાં ઉભા રહી ધંધો કરતા જણાશે તો પોલીસ તંત્ર દ્વારા જાહેરનામાના ઉલંધ્ધન બદલ કડક કાર્યવાહી કરી લારી સહિત મુદ્દામાલ જપ્ત કરવાની તજવીજ હાથ ધરી કડક પાલન કરાવવામાં આવશે તેમ ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું.