ચોટીલા પોલીસે મારામારી અને હત્યાનો પ્રયાસના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને રાજકોટથી ઝડપી પાડયો
- છેલ્લા ત્રણ મહિનાથી આરોપી નાસતો ફરતો હતો
સુરેન્દ્રનગર : ચોટીલા પોલીસે મારામારી તેમજ હત્યાનો પ્રયાસ કરવાના ગુન્હામાં મદદગારી કરનાર અને છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતે પોતાના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મજુબ ગત તા.૨૩ જુલાઈના રોજ ચોટીલાના નવાગામની સીમમાં આવેલ પીરવાળા દરગાહથી ચોટીલાના રહિશ મુબીનભાઈ યુનુસભાઈ હમીરકા મીત્રો સાથે ઘેર આવી રહ્યાં હતાં તે દરમ્યાન અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ચોટીલા ખાતે રહેતા ઈલીયાસભાઈ ઉર્ફે જોંગો દિનમહમંદભાઈ નકુમ તથા અન્ય શખ્સોએ એકસંપ થઈ ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાંખવાના ઈરાદે ઈલીયાસભાઈ ઉર્ફે જોંગો દિનમહંમદ નકુમે ગેરકાયદેસર હાથબનાવટની બંદુક વડે મુબીનભાઈ હમીરકા પર ફાયરીંગ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને ઈલીયાસભાઈ તેમજ તેમના સાગરીતો સાથે મળી મુબીનભાઈને મારમારી ઈજાઓ પહોંચાડી હતી જે મામલે ભોગ બનનારે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગત તા.૭ ઓગષ્ટના રોજ ઈલીયાસભાઈ ઉર્ફે જોંગો દિનમહંમદભાઈ નકુમ તેમજ રેકી કરનાર આરોપી સલીમભાઈ ઈસ્માઈલભાઈ સાંઘ રહે.ચોટીલાવાળાને તા.૩૦ સપ્ટેમબરના રોજ ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક આરોપી બનાવ બાદ છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો હતો જેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આ નાસતો ફરતો આરોપી રાજકોટ ખાતે પોતાના રહેણાંક મકાને હોવાની બાતમીના આધારે પોલીસે આરોપી સંજયભાઈ ઉર્ફે માઈકલ રમેશભાઈ વાઘેલાને રાજકોટ ખાતેથી ઝડપી લીધો હતો અને વધુ તપાસ હાથધરી હતી. ત્યારે આરોપી વિરૃધ્ધ અગાઉ મોરબીના ટંકારા તેમજ રાજકોટના આજી ડેમ પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું.