ધ્રાંગધ્રાની ખાનગી શ્રીજી હોસ્પીટલની વધુ એક બેદરકારી સામે આવતા ચકચાર
- દર્દીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કાર્યવાહી કરાવા માંગ કરી
- અગાઉ પણ હોસ્પિટલ મોટી રકમના બીલો બનાવી પૈસા વસુલતી હોવાના આક્ષેપો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલી ખાનગી શ્રીજી હોસ્પીટલ અને અમદાવાદ સ્ટર્લીંગ હોસ્પીટલના એક જ દિવસના આર.એ. ટેસ્ટ રીપોર્ટમાં મોટો તફાવત આવતા તાત્કાલીક ભોગ બનનાર પરિવારે આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસની માંગ કરતા ચકચાર મચી જવા પામી છે.
ધ્રાંગધ્રા ખાતે હળવદ રોડ પર આવેલ શ્રીજી હોસ્પીટલ અગાઉ પણ કોરોના કાળ દરમિયાન દર્દીઓ પાસેથી મોટી રકમના બીલો બનાવી પૈસા વસુલતા હોવાની ફરિયાદો સતત ચર્ચામાં રહી હતી. જેમાં તાજેતરમાં ધ્રાંગધ્રા ખાતે રહેતા રતનસિંહે શ્રીજી હોસ્પીટલમાં આર.એ. ટેસ્ટનો રીપોર્ટ કરાવતા તેનું રીઝલ્ટ ૫૦.૪ જેટલું આવતા ડોક્ટરે ગંભીર બીમારી હોવાનું જણાવ્યું હતું. આથી દર્દીને વધુ તકલીફ ન હોવાથી રીપોર્ટ અંગે શંકા જતા તાત્કાલીક અમદાવાદ જઈ સ્ટર્લીંગ હોસ્પીટલમાં રીપોર્ટ કરાવતા તેમાં આર.એ. ટેસ્ટ માત્ર ૮.૬ જેટલો આવ્યો હતો અને ફરજ પરના ડોક્ટરે રીપોર્ટ નોર્મલ હોવાનું જણાવ્યું હતું. આમ ધ્રાંગધ્રાની ખાનગી શ્રીજી હોસ્પીટલ દ્વારા દર્દીને ખોટો રીપોર્ટ આપી મોટી રકમની સારવાર કરાવી લાખો રકમના બીલો બનાવતા હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર રતનસિંહે આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી અને હોસ્પીટલના ડોક્ટર સહિત લેબોરેટરીના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.