લખતરમાં પર્યુષણ પર્વની ધર્મોલ્લાસ સાથે ઉજવણી
- કલ્પસૂત્રનું જાગરણ અને વાંચન કરવામાં આવ્યુ
સુરેન્દ્રનગર : જૈન સમાજના પવિત્ર પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઠેરઠેર ધર્મોઉલ્લાસ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લખતરમાં પર્યુષણના પ્રાણ સમાન કલ્પસુત્ર ગ્રંથની ઉછામણી કરાઈ હતી. જેનો લાભ શેઠ ધીરજલાલ પરસોતમભાઈના પરિવારે લીધો હતો.
લાભાર્થીને ઘેરથી વાજતે ગાજતે કલ્પસુત્રને પધરાવવામાં આવ્યુ હતુ તથા સાંજે પ્રતિક્રમણ બાદ લાભાર્થીના નિવાસ સ્થાને કલ્પસુત્ર જાગરણ નિમિતે ભકિત ભાવના કાર્યક્રમ યોજાયો હતો. જૈનોના પત્રિ ગ્રંથ કલ્પસુત્રની રચના આચાર્યદેવ શ્રી ભદ્રબાહુસ્વામીએ કરી હતી. હિંદુઓમાં ગીતા, મુસ્લિમોમાં કુરાન, ખ્રિસ્તીઓમા બાઈબલ અને બૌધ્ધમાં ત્રિપિટક એવી જ રીતે જૈનોમાં કલ્પસૂત્ર ગ્રંથ મહાપવિત્ર મનાય છે. સવારે કલ્પસુત્ર ગ્રંથની પવિત્ર પોથીને વાજતે ગાજતે નિકળેલી શોભાયાત્રાને દેરાસર ખાતે લવાઈ હતી. સવારે કલ્પસુત્રનું વાંચન કરવામાં આવ્યુ હતુ. જિનશાસનમાં પરમ શ્રધ્ધેય ગ્રંથનું નામ હોય તો તે કલ્પસુત્ર ગ્રંથ છે. લખતર શહેરના મુર્તિપૂજક જૈન સંઘ તથા સ્થાકવાસી જૈન સંઘમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે.