Get The App

સુરેન્દ્રનગરનું બસસ્ટેન્ડ, થાનગઢનો ઓવરબ્રિજ મંથર ગતિના નમુના..!

Updated: Feb 6th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરનું બસસ્ટેન્ડ, થાનગઢનો ઓવરબ્રિજ મંથર ગતિના નમુના..! 1 - image


- ભરોસાની ભાજપ સરકારનાં ગતિશિલ ગુજરાતમાં કાચબા ગતિએ ચાલતા વિકાસકામ

- વર્ષોથી ચાલતા આ કામ પુર્ણ નહીં થતાં અનેક મુશ્કેલીનો સામનો કરતી પ્રજા : સુવિધા મળવાના બદલે દુવિધા ભોગવતા લોકો ત્રાહીમામ

સુરેન્દ્રનગર : સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસકામો નિયત સમય મર્યાદામાં, નિયત ખર્ચે પુરા થાય તો જ યોગ્ય રીતે લોકોપયોગી બનતા હોય છે, નહીંતર લોકો માટે સમસ્યારૂપ બની જતા હોય છે.  સુરેન્દ્રનગરનું બસસ્ટેન્ડ અને થાનગઢનો રલવે ઓવર બ્રિજ ગતિશિલ ગુજરાતમાં કાચબા ગતિએ ચાલતા વિકાસકામોના નમુના છે. વર્ષોથી ચાલતા આ કામ પુર્ણ થતા ન હોવાથી લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુવિધા મળવાના બદલે દુવિધા ભોગવતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી યોજાઈ તેના પાંચ વર્ષ પહેલા ૨૦૧૭ની ચૂંટણી યોજાઈ તેના આગલા વર્ષે ૨૦૧૬ના ડિસેમ્બર મહિનામાં સુરેન્દ્રનગરના નવા બસસ્ટેન્ડનું કામ ચાલુ કરવામાં આવ્યુ હતુ. તે પછી વિધાનસભાની બે ચૂંટણી આવી ગઈ હોવા છતા હજુ બસ સ્ટેન્ડનું કામ ૧૦૦ ટકા પુરૂ થયુ નથી. ૨૦૧૭ની ચૂંટણી અને ૨૦૨૨ની ચૂંટણીમાં મત મેળવવા લોલીપોપ તરીકે તેનો ઉપયોગ કરાયો હોય તેવો મુસાફર વર્ગને અનુભવ થઈ રહ્યો છે. આ બસસ્ટેન્ડનું કામ ચાલતુ હતુ ત્યારે હંગામી બસસ્ટેન્ડમાં બસની રાહ જોતા મુસાફરોને ટાઢ-તડકો-અને વરસાદ વેઠીને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.હાલ સ્થિતિ થોડી સુધરી છે, પરંતુ ૨૦૧૬થી ચાલતા કાચબાગતિના કામને કારણે લોકોને અનેક મુશ્કેલી વેઠયા બાદ પણ હજુ આ બસસ્ટેન્ડનું લોકાર્પણ કયારે થશે તે નક્કી નથી. 

આવી જ હાલત થાનગઢવાસીઓની છે. થાનગઢ શહેરની મધ્યમાં રેલવેે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા ૨૦૧૭ના વર્ષમાં તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતુ. રેલવેે ફાટક વારંવાર બંધ થવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોઈ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળે તે માટે કરોડો રૂા.ના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું ૨૦૧૭થી કામ ચાલુ છે, જે પુરૂ થતુ જ નથી. ગોકળગાયની ગતિએ ચાલતા કામને કરાણે હવે થાનગઢવાસીઓ કંટાળી ગયા છે. ચારે બાજુ પાણી ભરાયા છે. પાટા પાસે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો નથી. પાટા ઉપર ટ્રેન આવે તો અકસ્માત થવાની ભિતી રહે છે. રોજની અવરજવરના વાહન વ્યવહારને તો મુશ્કેલી પડે છે. 

રેલવેના પાટા અને લોખંડની ગ્રીલ ઓળંગીને નનામી લઈ જવી પડે છે

કોઈ માણસનું મૃત્યુ થાય તો મલાજો પણ જળવાતો નથી તેવી સ્થિતી ઉદભવે છે. પાટા ઓળંગીને અને લોખંડની ગ્રીલ ઓળંગીને નનામી લઈ જવી પડે છે. ઓવરબ્રિજનું કામ વહેલીતકે પુરૂ કરવામાં આવે તેમજ ફાટક પાસે ડાયવર્ઝન આપવામાં આવે તેવી માંગ સાથે લોકો દ્વારા ઉપવાસ આંદોલનની ચિમકી આપવામાં આવી છે.


Google NewsGoogle News