વઢવાણના સાંકળીના દૂધના વેપારી પર વ્યાજખોરો દ્વારા ઘાતકી હુમલો
હથિયારો વડે છ શખ્સોએ હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ
રૂા.૬ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા બાદ ૧૦ વીઘા જમીન લખાવી લીધી છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી વ્યક્તિને માર માર્યો
સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાના સાંકળી ગામે રહેતા અને દુધનો વ્યવસાય કરતા વેપારીએ વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે વ્યાજખોર ૬ શખ્સો દ્વારા વેપારીને લોખંડના પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે ૬ શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
વઢવાણ તાલુકાના સાંકળી ગામે રહેતા અજીતભાઇ ગોરધનભાઇ કંબોયાએ સાંકળી ગામના જ ચાંપરાજભાઇ લગધીરભાઇ ખાચર પાસેથી બે વર્ષ પહેલા રૂપિયા ૬ લાખ ૧૦ ટકાના ઉંચા વ્યાજે લીધા હતા. જે મુળ રકમ તેમજ વ્યાજ સહિત કુલ રકમ રૂપિયા ૧૨.૫૦ લાખ થઇ ગઇ હતી. આથી ચાંપરાજભાઇ દ્વારા અવારનવાર વ્યાજ અને મુદ્દલ રકમની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ અજીતભાઇ પાસે પૈસાની કોઇ વ્યવસ્થા ન થતાં તેમણે પૈસાના અવેજ પેટે ૧૦ વીઘા જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. તેમ છતાં ચાંપરાજભાઇ તેમજ અન્ય પાંચ શખ્સો કારમાં ધસી આવ્યા હતા અને રાત્રીના સમયે સાંકળી ભડીયાદ રોડ પર અજીતભાઇનું દુધનું વાહન ઉભું રખાવી ચાંપરાજભાઇ લગધીરભાઇ ખાચર, ધર્મેન્દ્ર દડુભાઇ ખાચર તેમજ ૪ અજાણ્યા શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે અજીતભાઇને માર મારી અપશબ્દો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી તમામ શખ્સો ફરાર થઇ ગયાં હતાં. જ્યારે ઇજાગ્રસ્ત અજીતભાઇને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ મામલે ઇજાગ્રસ્ત અજીતભાઇએ કુલ ૬ શખ્સો વિરૂધ્ધ વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા વઢવાણ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
વ્યાજખોરોને ડામવાની પોલીસની કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાઇ
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામાવા પોલીસ દ્વારા એક તક પોલીસને કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે. તેમ છતાં સુરેન્દ્રનગર શહેર સહીત જિલ્લાભરમાં વ્યાજખોરીનું દુષણ ઘટવાના બદલે વધી રહ્યું હોય અને વ્યાજખોરો બેફામ બનતા પોલીસની કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. ત્યારે પોલીસ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.