કટારિયામાં બહેનની હત્યા કરનાર ભાઈ અને પ્રેમી કૌટુંબિક કાકા પકડાયા

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
કટારિયામાં બહેનની હત્યા કરનાર ભાઈ અને પ્રેમી કૌટુંબિક કાકા પકડાયા 1 - image


- કટારિયાના પાટિયા પાસેથી ભાઈ અને લીંબડીથી પ્રેમી ઝડપાયા

- હત્યાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું ઃ હત્યારા ભાઈના બે દિવસના રિમાન્ડ મંજૂર

લીંબડી : લીંબડીના કટારિયા ગામે બહેનની હત્યા કરી ઘટનાને અકસ્માતમાં ખપાવવાનું તરકટ રચનાર હત્યાનો આરોપી ભાઈને આજે પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરી આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ પ્રેમી કૌટુંબિક કાકાને પણ લીંબડીથી પકડી પાડયો હતો. 

લીંબડી તાલુકાના કટારિયા ગામે રહેતી વનીતાબેન રમેશભાઈ દુલેરાને તેના કૌટુંબિક કાકા વિવેક દુલેરા સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ બંધાયો હતો. જેને લઈને તેના કૌટુંબીક પરિવારજનોએ બંનેને સમજાવીને એક બીજા સાથે સંબંધ રાખવાની ના પાડી હતી. છતાંય બંને એક બીજા સાથે મોબાઈલથી વાતચીત કરતાં હતા. જે વાત વનીતાના ભાઈ દિપક દુલેરાને ન ગમતી હોવાથી તેને વનીતાને સમજાવી હતી. પરંતુ તે ના માનતા દિપકે તેની બહેનને માર મારીને હત્યા કરી હતી. જ્યારે આ બનાવની જાણ તેના કૌટુંબિક દાદા ગોવિંદભાઈ રતીલાલભાઈ દુલેરાને થતાં તેમણે દિપક વિરૂદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે રવિવારે મોડી સાંજે દિપક કટારીયાના બોર્ડ પાસેથી હાઈવે તરફ ચાલતો જતો હતો તે સમયે પાણશીણા પોલીસની ટીમે તેને ઝડપી પાડયો હતો. આ બનાવ અંગેનું ઘટના સ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરાયું હતું. તેમજ વધુ તપાસ માટે રિમાન્ડ મંજૂર કરવા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. તો બીજી તરફ આ બનાવ અંગેની વધુ તપાસ માટે વનીતાના પ્રેમી વિવેકને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે લીંબડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.કે.મારૂડા સહિતની ટીમે લીંબડી બસ્ટેશનથી હાઈવે પર રાજકોટ તરફ જવાના માર્ગે ઓવરબ્રીજ પાસે વિવેકને ઝડપી લીધો હતો. હવે જોવાનું રહ્યું કે વિવેક શું નિવેદન આપે છે. 


Google NewsGoogle News