લખતરના વણા રોડ પર બજરંગપુરા તરફનો પુલ જર્જરીત, અકસ્માતનો ભય
- વાહનચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યાં છે
- તંત્ર દ્વારા જર્જરીત પુલ રીપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે તેવી માંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અનેક ૫ુલ સહિત કોઝવે બિસ્માર હાલતમાં હોય વાહનચાલકોને તેમજ ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમજ અનેક વખત રજુઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લખતરના વણા રોડ પર બજરંગપુરા તરફનો પુલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી તંત્ર દ્વારા નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
લખતર તાલુકામાં નર્મદા વિભાગની મુખ્ય કેનાલ ઉપર બનાવેલ પુલો જર્જરીત અને બિસ્માર હાલતમાં જોવા મળી રહયા છે જે પુલ બિસ્માર હોવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહયો છે ત્યારે લખતર-વણા રોડ ઉપર થઈને બજરંગપુરા રોડ તરફ આવેલ કેરાળીના માર્ગ ઉપરનો પુલ બિસ્માર હાલતમાં હોવાથી પસાર થતાં ખેડૂતો અને વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહયા છે તેમજ અકસ્માતનો ભય સતાવી રહયો છે.
જે પુલ હાલ જર્જરીત હાલતમાં હોવાથી કેરાળી માર્ગ નજીકનો પુલ ઉપર બંને સાઈડ માટી નાખીને મોટા વાહન ચાલકો માટે અવરજ્વર માટે પુલ બંધ કરવામાં આવ્યો છે. જે પુલ તંત્ર દ્વારા રીપેરીંગ હાથધરવામાં નહિ આવતા અકસ્માત કે દુર્ધટના થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે લખતર તાલુકામાં પસાર થતી નર્મદા કેનાલ ઉપરના મુખ્ય પુલો રીપેરીંગ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.