સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
- પરીક્ષાના પ્રથમ દિવસે એકપણ કોપી કેસ ન મળ્યો
- પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ આપી આવકાર્યા, પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવની શુભેચ્છાઓ પાઠવી
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં ૫ણ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે પ્રથમ દિવસે બોર્ડની પરીક્ષામાં સવારે ધોરણ-૧૦ના પ્રથમ પેપર શરૃ થયા પહેલા શહેરની મધ્યમાં આવેલ આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જીલ્લા કલેકટર, જીલ્લા શિક્ષણાધીકારી, સ્કુલના આચાર્ય, શાળાનો સ્ટાફ સહિતનાઓએ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પો આપી સાકરથી મીઠું મોઢું કરાવી આવકાર્યા હતા તેમજ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે જીલ્લા કલેકટરે વિદ્યાર્થીઓને ચિંતામુક્ત થઈ એકાગ્ર મને આત્મવિશ્વસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા અને ખોટી અફવાઓ અને ભ્રામક વાતોથી દુર રહેવા જણાવ્યું હતું.
આ ઉપરાંત જીલ્લા કલેકટરે શાળામાં ઉપલબ્ધ સુવીધાઓની ચકાસણી કરી તંત્રની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું અને ફરજ પર ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાય તેમજ શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે જરૃરી સુચનાઓ આપી હતી.
સીસીટીવી કંન્ટ્રોલ રૃમનું નિરિક્ષણ પણ કર્યું હતું. આ તકે જીલ્લા કલેકટર કે.સી.સંપટ સહિત જીલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.