કુકડા ગામ નજીક ડમ્પર સાથે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
- મુળી હાઈવે પરનો બનાવ
- મૃતક યુવક ધ્રાંગધ્રા તાલુકાનો હોવાનું અનુમાન
સુરેન્દ્રનગર : મુળી હાઈવે પર કુકડા ગામના પાટિયા પાસે ડમ્પરના પાછળના ભાગે આવી જતાં ૨૬ વર્ષીય બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ધ્રાંગધ્રા તાલુકાનો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
મુળી હાઈવે પર કુકડા ગામના પાટિયા પાસે ડમ્પર પુરપાટ ઝડપે જઈ રહ્યું હતું. તે દરમિયાન અચાનક કોઈ કારણોસર બાઈક પર જઈ રહેલા યુવકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પરના પાછળના ટાયરમાં આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને પોલીસ સહિત ૧૦૮ ટીમને જાણ કરી હતી. મુળી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
મૃતક બાઈકચાલક પાસેથી મળી આવેલા આધારકાર્ડ મુજબ તેનું નામ કર્મદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉં.વ. ૨૬ હોવાનું જણાઈ આવ્યું હતું. ઉપરાંત મૃતકના બાઈક પાછળ દેશળભગત ધામ ધ્રાંગધ્રાનું સ્ટીકર લગાવ્યું હતું. આથી મૃતક ધ્રાંગધ્રા તાલુકાનો હોવાનું અનુમાન પોલીસ દ્વારા સેવાઈ રહ્યું છે.