ભોગાવો નદીમાં ગટરના તથા કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરાતા પ્રદુષિત બની
- સુરેન્દ્રનગર અને વઢવાણમાંથી પસાર થતી
- કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરનાર ઔદ્યોગિક એકમને નોટિસ ફટકારાશે તેવી તંત્રની હૈયાધારણા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ચોટીલા, મુળી, વઢવાણ, સુરેન્દ્રનગર અને લીંબડી તાલુકામાંથી ભોગાવો નદી પસાર થાય છે. આ નદીમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારનું વપરાયેલું ગંદુ અને દુર્ગંધ યુક્ત પાણી છોડવામાં આવતા હાલ નદી પ્રદૂષિત બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નદીની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં થી પસાર થતી ભોગાવો નદી તંત્રની બેદરકારીને કારણે હાલ પ્રદૂષિત બની ચૂકી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર તેમજ ભૂગર્ભ ગટરના પાણીનો તેમજ અમુક ઔદ્યોગિક એકમો દ્વારા પણ કેમિકલ યુક્ત પાણી ભોગાવો નદીમાં નિકાલ કરવામાં આવતા નદી હાલ પ્રદૂષિત બની છે.
આ નદીમાં દરરોજ શહેરની ગટરોમાંથી લાખો લીટર ગંદુ પાણી ઠાલવવામાં આવે છે. સરકાર દ્વારા ભોગાવો નદીના શુધ્ધિકરણ પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટ સુરેન્દ્રનગર પાલિકા તંત્રને ફાળવવામાં આવે છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ન થતાં નદી પ્રદૂષિત બની રહી હોવાનો આક્ષેપ શહેરીજનોએ લગાવ્યો છે. જ્યારે પ્રદૂષિત નદીના કારણે બીમારી અને ગંદકી પણ ફેલાઈ છે.
તેમજ જંગલી બાવળનુ સામ્રાજ્ય નદીમાં છવાઈ ગયુ છે. પાલિકા તંત્ર દ્વારા અંદાજે ૩૬ કરોડના ખર્ચે વઢવાણ-મૂળચંદ રોડ પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) પ્લાન્ટ નાખવામાં આવ્યો છે પરંતુ આ પ્લાન્ટ દ્વારા પણ યોગ્ય રીતે ગંદુ પાણી ટ્રીટમેન્ટ ન થવાથી ટ્રીટમેન્ટ થયા વગરનુ પાણી ભોગાવો નદીમાં ઠાલવવામાં આવતું હોવાના આક્ષેપ લગાવાયા છે.
આ અંગે સુરેન્દ્રનગરના શહેરીજનો અનેક વખત ભોગાવો નદીના શુદ્ધિકરણ માટે પાલિકા તંત્ર અને સ્થાનિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી. આથી ભોગાવો નદીની યોગ્ય અને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી શહેરીજનોમાંથી માંગ ઉઠવી છે.
જયારે આ મામલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીનો સંપર્ક કરતા, આ મામલે કલેકટર સાથે બેઠક યોજવામાં આવી છે અને આગામી દિવસોમાં નદીમાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરનાર ઔદ્યોગિક એકમોને નોટિસ ફટકારવામાં આવશે તેમજ પાલિકા તંત્રને પણ આ અંગે જાણ કરી હોવાનું જણાવ્યું હતુ.