બહુચરાજી મંદિર ચંદ્રગ્રહણના કારણે આજે સાડા સાત કલાક બંધ રહેશે
- કારતક સુદ આઠમથી આરતીના સમયમાં ફેરફાર
- મંદિરમાં સાંજની આરતી આઠ વાગે અને માતાજીની પાલખી રાત્રે 9.30 કલાકે નીકળશે
મહેસાણા, બહુચરાજી : ચંદ્રગ્રહણ હોવાના કારણે આજે બહુચરાજી સ્થિત બહુચર માતાજીનુ મંદિર બપોરે ૧૨ કલાકથી સાંજના ૭.૩૦ કલાક સુધી બંધ રહેશે. બહુચર માતાજીના મુખ્ય મંદિરની સાથે વરખડી મંદિર સહિતના તમામ મંદિરો અને વલ્લભ ભટ્ટની વાવ સ્થિત મંદિરો પણ બંધ રહેશે. જ્યારે સાંજની આરતી ૮ વાગે અને પૂનમ નિમિત્તે માતાજીની પાલખી યાત્રા રાત્રે ૯.૩૦ કલાકે રહેશે.
બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાના કારણે બહુચર માતાજી મંદિરમાં આવતા દર્શનાર્થીઓની સગવડતા માટે વિક્રમ સંવત ૨૦૭૯ ની કારતક સુદ આઠમને તા.૧-૧૧-૨૦૨૨ ને મંગળવારથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સવારની અને સાંજની આરતી ૬.૩૦ કલાક તેમજ દર્શનનો સમય સવારે ૫-૦૦ થી રાત્રિના ૯.૦૦ કલાક સુધીનો રખાયો છે. જ્યારે ૮ નવેમ્બરને મંગળવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી બહુચર માતાજીનુ મુખ્ય મંદિર, વરખડી મંદિર તેમજ સંકુલના તમામ મંદિરો, વલ્લભ ભટ્ટની વાવ સંકુલના મંદિર તેમજ નાની માતા મંદિર બપોરના ૧૨-૦૦ કલાકથી સાંજના ૭.૩૦ કલાક સુધી બંધ રહેશે. જ્યારે દિવસ દરમિયાન દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. ચંદ્રગ્રહણના કારણે સાંજની આરતીનો સમય સાંજે ૮.૦૦ કલાકે રાખીને પૂનમ નિમિત્તે માતાજીની પાલખી યાત્રા રાત્રે ૯.૩૦ કલાકે નીકળવાની હોવાનુ બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટે જણાવ્યુ છે.