જોરાવરનગર સવા હોસ્પિટલ પાસેના બિસ્માર રસ્તાથી વાહનચાલકોને હાલાકી
- રોડ જેવી પ્રાથમિક સુવિધાના પણ ફાંફા
- હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હાલાકી છતાં તંત્રના આંખ આડા કાન
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં આવેલી સવા હોસ્પિટલ પાસેનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર અને જર્જરિત બનતા અંહીથી પસાર થતાં વાહનચાલકો અને હોસ્પિટલમાં આવતા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી સાવ બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કે નવીનીકરણ ન કરવામાં આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના અનેક વિસ્તારમાં રસ્તાઓના નવીનીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારના હાર્દસમા સવા હોસ્પિટલ પાસેનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રસ્તા પર હોસ્પિટલ આવેલી છે તે ઉપરાંત સુરેન્દ્રનગર આંબેડકર ચોક તેમજ રિવરફ્રન્ટને જોડતો રસ્તો પણ અહીંથી પસાર થાય છે જેને લઇને દરરોજ અનેક વાહનચાલકો અંહીથી પસાર થાય છે. રસ્તા પર ખોદકામ કર્યા બાદ યોગ્ય બુરાણ પણ કરવામાં ન આવતા આ રસ્તો કમરતોડ રસ્તો બની ગયો છે. આ મુખ્ય રસ્તા પર જ હોસ્પિટલ આવેલી હોવાથી સુરેન્દ્રનગર શહેર ઉપરાંત જિલ્લાભરમાંથી લોકો અંહી આવતા હોય છે ત્યારે અજાણ્યા વાહનચાલકોને અકસ્માતનો પણ ભય રહે છે. છેલ્લા ૬ માસ કરતા વધુ સમયથી રસ્તો બિસ્માર બની ગયો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા રસ્તાનું નવીનીકરણ તો ઠીક પરંતુ સમારકામ પણ કરવામાં ન આવતા લોકોમાં પાલિકા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં ચોમાસામાં આ રસ્તાની હાલત વધુ ખરાબ થાય અને કોઈ વાહનચાલક અકસ્માતનો ભોગ બને તે પહેલા તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કે નવીનીકરણ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.