Get The App

લખતરમાં રોડના પ્રશ્ને કોન્ટ્રાક્ટર પર બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
લખતરમાં રોડના પ્રશ્ને કોન્ટ્રાક્ટર પર બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ 1 - image


- કોન્ટ્રાક્ટર પોતાના સાઈ ગેસ્ટહાઉસમાં જમતા હતા ત્યારે બે શખ્સો આવ્યા

- મારા ભાઈ સાથે માથાકુટ કેમ કરી કહી ગોળીઓ છોડી, એક કોન્ટ્રાક્ટરના બાવડે વાગી બીજી દીવાલમાં ભટકાઈ : મેનેજરે પ્રતિકાર કરતા બંને ભાગ્યા : ત્રણ શખ્સો વિરૃદ્ધ ગુનો નોંધી પોલીસની તપાસ શરૃ

સુરેન્દ્રનગર : લખતરમાં ગેસ્ટહાઉસના માલિક કોન્ટ્રાક્ટર ઉપર બે શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. રોડના કામમાં યોગ્ય ડાયવર્જન ન હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન ઉદ્ભવતો હોવાની રજૂઆત કર્યાના મનદુઃખમાં ભાઈનું ઉપરાણું લઈ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટના અંગે બે સગા ભાઈઓ સહિત ત્રણ શખ્સો વિરૃદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે. 

લખતરમાં આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે. આ કામ પહેલાથી જ વિવાદોમાં જોવા મળે છે. ત્યારે રોડના કામને લઈને ફાયરીંગનો બનાવ બન્યો છે. લખતરમાં રહેતા અને કોન્ટ્રાક્ટર ભરતસિંહ પ્રતાપસિંહ પરમારે આ આરસીસી રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝન ન હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન ઉદ્દભવતો હોવાની રજુઆત આ રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટરના માણસને કરી હતી. આ વાત લખતરના દેવળીયા ગામના અને નાના-મોટા કોન્ટ્રાક્ટ રાખતા ધર્મેન્દ્રસિંહ રાણાને જાણ થઈ હતી અને તેઓને આ વાત પસંદ ન હતી આથી ત્રણેક દિવસ પહેલા ધર્મેન્દ્રસિંહે ભરતસિંહને મોબાઈલ પર ફોન કરી બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. 

ત્યારબાદ શનિવારે રાત્રે ભરતસિંહ પોતાના સાંઈ ગેસ્ટ હાઉસના રૃમમાં જમવાનું મંગાવી જમતા હતા. આ સમયે ગેસ્ટ હાઉસના મેનેજર અલ્પેશભાઈ તેઓની પાસે બેઠા હતા. ત્યારે દેવળીયાનો અજયસિંહ બળવંતસિંહ રાણા અને એક અજાણ્યો શખ્સ રૃમમાં ધસી આવ્યા હતા. અજયસિંહે તું મારા ભાઈ ધર્મેન્દ્રસિંહ સાથે માથાકુટ કેમ કરે છે તેમ કહી ભરતસિંહને ગાળો આપી હતી. આથી ભરતસિંહે ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા અજયસિંહે પોતાની પાસે રહેલા પિસ્તલ જેવા હથિયાર વડે ભરતસિંહ પર ફાયરીંગ કર્યું હતું. જેમાં ભરતસિંહે આડો હાથ ધરી દેતા તેઓને હાથના બાવડાના ભાગે ગોળી વાગી હતી. જ્યારે અજ્યસિંહે બીજો રાઉન્ડ ફાયર કરતા ભરતસિંહ નીચે બેસી જતા ગોળી દિવાલે જઈ ટકરાઈ હતી. આ સમયે અલ્પેશભાઈ વચ્ચે પડતા બન્ને શખ્સો પોતાની કાર લઈને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ભરતસિંહને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. આ અંગે લખતર પોલીસ મથકે ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ રાણા, અજયસિંહ બળવંતસિંહ રાણા અને એક અજાણ્યા શખ્સ સામે જીવલેણ હુમલો કરી ખુનની કોશીશની કલમો સાથે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથધરી છે.



Google NewsGoogle News