મોરબીની રવાપર ચોકડીએ રોડ પર કેનાલનાં પાણી ફરી વળ્યાં
- શિયાળામાં પાણીના તળાવડાં ભરાયા
- કિંમતી પાણીનો વેડફાટ છતાં તંત્ર નિંદ્રામાં
મોરબી : મોરબી શહેરના પોશ વિસ્તાર સમાન રવાપર રોડ પરથી પસાર થતી કેનાલની પારી તૂટેલી હોય. જ્યાંથી પાણી ઓવરફલો થઇ રહ્યા છે. ભરશિયાળે ચોમાસા માફક પાણીના તલાવડા ભરેલા જોવા મળી રહ્યા છે. કીંમતી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રવાપર ચોકડી પાસેથી પસાર થતી કેનાલની પારીઓ અનેક જગ્યાએ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. જ્યાંથી પાણી ઓવરફલો થઈને રોડ પર આવી રહ્યું છે. સવારથી પાણી ઓવરફલો થઈને રોડ પર આવી ગયું છે. જેથી ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. પાણીના તલાવડા વચ્ચેથી રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવાનો વારો આવ્યો છે. મચ્છુ ૨ ડેમમાંથી નીકળી આ કેનાલ મોરબી શહેરમાંથી પસાર થાય છે. જેના પાણી ઓવરફલો થઈને રોડ પર વહી રહ્યા છે. અને કીંમતી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે એક તરફ ખેડૂતો રવિપાક માટે પાણીની માંગ કરતા જોવા મળે છે. તો બીજી તરફ કીમતી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું જોવા મળતું નથી. જેથી નાગરિકોમાં રોષ ભભૂક્યો છે.
ટંકારા-પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઓફીસ રવાપર ચોકડી ખાતે આવેલ છે. જેની નજીક જ કેનાલના પાણી ઓવરફલો થઈને રોડ પર ભરાયા છે અને પાણીના તલાવડા જોવા મળી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય આ બાબતની નોંધ લેશે કે કેમ? તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે.