આશાવર્કર, ફેસીલેચર બહેનોએ રેલી કાઢી,સૂત્રોચ્ચાર સાથે : વિરોધ પ્રદર્શન
- સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે
- પડતર માંગણીઓને લઇને બહેનો આંદોલનના માર્ગે, હડતાળની ચિમકી ઉચ્ચારી
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ મોટીસંખ્યામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનો આરોગ્યલક્ષી કામગીરી ખડેપગે રહી કરી રહી છે તેમ છતાંય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર માંગો પુરી કરવામાં ન આવતા છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગ ખાતે મોટીસંખ્યામાં આશાવર્કર બહેનો એકત્ર થયા હતા અને કલેકટર કચેરી સુધી રેલી યોજી પડતર માંગો અંગે ઉગ્ર રજુઆતો કરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જીલ્લાના તમામ તાલુકાઓમાં મોટીસંખ્યમાં આશાવર્કર બહેનો તેમજ ફેસીલેટર બહેનો ફરજ બજાવી આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યાં છે તેમજ અગાઉ પણ કોરોનાકાળ દરમ્યાન આશાવર્કર બહેનોએ પોતાના સ્વાસ્થયની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી આ સીવાય સરકારના કોઈપણ કાર્યક્રમમાં પણ નિયમીત હાજરી સહિત આરોગ્ય વિભાગ દ્વારા સોંપવામાં આવેલ કામગીરી કરે છે તેમ છતાંય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પગાર વધારો કરવામાં આવ્યો નથી જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે તેમજ ઈન્સેન્ટીવ, મેટરનીટી રજા, ગ્રામ્ય વિસ્તારમાં ફરજ માટે અલગથી ભથ્થું પણ ચુકવવામાં આવતું નથી. માત્ર નજીવો પગાર ચુકવી સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે આ તમામ પ્રશ્નો અંગે આશાવર્કર તેમજ ફેસીલેટર બહેનોએ અનેક વખત રજુઆતો કરવા છતાંય સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક ઉકેલ આવ્યો નથી અને અગાઉ પણ તમામ માંગો પુરી કરવાની ખાત્રી આપી હતી પરંતુ ત્યારબાદ કોઈ જ નિર્ણય નહિં લેવાતા ફરી આશાવર્કર બહેનોએ સરકાર સામે બાંયો ચડાવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ ઘટકની આશાવર્કર અને ફેસીલેટર બહેનો શહેરની મધ્યમાં આવેલ ટાગોર બાગ ખાતે એકત્ર થઈ હતી અને ત્યાં ચર્ચા વિચારણા કર્યા બાદ કલેકટર કચેરી સુધી સુત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો હતો અને જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી હતી તેમજ આગામી દિવસોમાં માંગો પુરી કરવામાં નહિં આવે તો કામગીરીથી અડગા રહી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી આ તકે મોટીસંખ્યામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.