વરિયાળીના ભાવ ઘટી જતાં ખેડૂતોની હાલત કફોડી
- ગત વર્ષની તુલનાએ ત્રણ ગણા ભાવ ઘટી ગયા
- ગત વર્ષે વરિયાળીના ભાવ 2700 થી 4400 રહ્યાં હતા જે હાલ માંડ 850 થી 1150 મળી રહ્યાં છે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ વરીયાળીના સારા ભાવ મળવાની આશાએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું પરંતુ ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં વરીયાળીના ભાવ સાવ નીચે આવી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેડૂતોને વરીયાળીના પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાકમાં વરીયાળી, ચણા, ઘઉં અને જીરૂ સહીતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ વાવેતર વરીયાળીનું કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે શિયાળુ પાકનું કુલ વાવેતર ૨,૫૧,૪૯૬ હેક્ટરમાં નોંધાયું હતુ, જેમાં ૭૪,૭૭૦ હેક્ટર જમીનમાં વરીયાળીનું વાવેતર નોંધાયુ હતું.
ગત વર્ષે વરીયાળીના ભાવ ખુબ સારા આવતા ખેડૂતોએ આ વર્ષે પણ સારા ભાવની આશાએ વરીયાળીનું વાવેતર કર્યું હતું. પરંતુ સિઝનની શરૂઆતથી જ વરીયાળીના ભાવ સાવ નીચા બેસી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત વર્ષે વરીયાળીના ભાવ રૂ.૨,૫૦૦થી લઇ ૪,૫૦૦ સુધી પહોંચ્યા હતા. જેની સામે આ વર્ષે રૂ.૮૫૦થી લઇ ૧,૧૫૦ જેટલા જ ભાવ મળી રહ્યા છે.
હાલ વરીયાળીના વેચાણ માટે જિલ્લા બહાર ઉંઝા કે અન્ય માર્કેટીંગ યાર્ડમાં જવું પડે છે. આ ભાવમાં ખેડૂતો જો વરીયાળી વેચે તો વરીયાળીના વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ માંડ નિકળે તેમ છે પરંતુ અમુક ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી અને રૂપિયાની તાતી જરૂરિયાત હોવાથી ખેડૂતો મજબુરીમાં વરીયાળીનો પાક વેચી રહ્યાં છે.
નિકાસ બંધ થતાં ભાવ તળીયે બેસી ગયા
ગુજરાતમાંથી વરીયાળીની મોટા પાયે નિકાસ તુર્કીમાં કરવામાં આવે છે પરંતુ હાલ વરીયાળીની નિકાસ બંધ છે. બીજી તરફ માતબત ઉત્પાદન થતાં વરીયાળીની મોટા પ્રમાણમાં આવક નોંધાતા ભાવ ગગડીને તળીયે આવી ગયાં છે. ત્યારે ખેડૂતોને વરીયાળીના યોગ્ય ભાવ મળે તે માટે નિકાસને મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.